________________
સમય માત્રનો પણ પ્રમાદ કર્તવ્ય નથી
પરમેષ્ટિનાં કલ્યાણનાં પરમાણુઓ ખેંચે છે. આ ક્રિયા થવાનું કારણ એ છે કે જીવ જ્યારે ક્ષયોપશમ સમિકત લે છે ત્યારે પૂર્વ ઋણાનુબંધને લીધે તે પ્રત્યક્ષ સદ્ગુરુની સહાયથી મિથ્યાત્વના મુખ્ય ભાગનો ક્ષય કરે છે, પણ તેનાથી તેનાં સમગ્ર મિથ્યાત્વનો નાશ થઈ શકતો નથી. તેનાથી જે મિથ્યાત્વ ક્ષય થતું નથી તેને દબાવી, કર્મ પરમાણુઓના થરથી નીચે ઊતારી તેનો ઉપશમ કરી જીવ સમ્યક્ત્વ ધારણ કરે છે. સિદ્ધાંત એ છે કે પ્રત્યક્ષ સદ્ગુરુની આત્મદશા અને આત્મશુદ્ધિ જેટલાં વિશેષ તેટલી વિશેષ સહાય જીવને મળતી હોવાથી જીવ તેટલું વિશેષ મિથ્યાત્વ તોડી શકે છે. એટલે કે ક્ષયોપશમ સમકિતમાં સદ્ગુરુની શક્તિ જેટલી વધારે તેટલો મિથ્યાત્વનો ક્ષય વધારે કરી શકાય, અને ઉપશમ ઓછો કરવો પડે. આમ હોવાનું કારણ એ છે કે પંચપરમેષ્ટિ પદમાં સદ્ગુરુની પદવી જેટલી ઊંચી હોય એટલા વધારે સદ્ગુરુના કલ્યાણભાવ તેમાં ભળેલા હોય છે. તેનાં નિમિત્તથી જીવનું વિશેષ મિથ્યાત્વ ક્ષય થાય છે.
બીજી બાજુ જીવને પ્રત્યક્ષ સદ્ગુરુ પ્રત્યે જેટલો પ્રેમભાવ, શ્રદ્ધાભાવ અને અર્પણભાવ તથા અહોભાવ આવે છે એટલો વિનયભાવ એ જીવમાં સાકાર થાય છે. આવા ઉત્તમ વિનયભાવવાળા અને પુરુષાર્થી જીવના પ્રત્યક્ષ સદ્ગુરુ ખૂબ સામર્થ્યવાન ન હોય તો પણ, તેના વિનયના પ્રભાવને કારણે પ્રત્યક્ષ સદ્ગુરુના ગુરુ, એમના ગુરુ, અને એમ કરતાં કરતાં ઠેઠ શ્રી તીર્થંકર પાસેથી પણ યથાર્થ યોગબળ જીવને ક્ષયોપશમ સમકિત પ્રાપ્ત કરતી વખતે મળે છે. જેના પરિણામે વિશેષ મિથ્યાત્વનો નાશ અને ઓછાનો ઉપશમ તે જીવને રહે છે. વિનય એ આજ્ઞાનો પાયો હોવાથી જીવ વિનયથી આજ્ઞામાર્ગનું પાલન કરે છે. અને આજ્ઞા એ કલ્યાણ મેળવવા માટે ટૂંકામાં ટૂંકો અને સહેલામાં સહેલો માર્ગ છે. તેનું પાલન થતાં એટલા જ સમયમાં કર્મની ઘણી નિર્જરા થઈ શકે છે. જીવમાં જેટલો વિનય વધારે તેટલી વધારે પ્રમાદરહિત સ્થિતિ થતી હોવાથી નિર્જરા પણ ઘણી વધારે થાય છે.
આ પરથી સમજાય છે કે ગુરુ અથવા શિષ્યનું ઉત્તમપણું હોય તો સુંદર પરિણામ આવે છે, તો પછી ગુરુ તથા શિષ્ય બંનેની ઉત્તમતા હોય ત્યારે પરિણામની સુંદરતા કેવી અદ્ભુત હોય ?
૧૯