________________
કેવળી પ્રભુનો સાથ
પૂર્ણાતિપૂર્ણ અજ્ઞાની પ્રાપ્તિ માટે પૂર્ણ પંચપરમેષ્ટિનાં કલ્યાણપરમાણુની પ્રાપ્તિ અનિવાર્ય છે, જે આપણે જાણીએ છીએ. પૂર્ણ પરમેષ્ટિનાં પરમાણુના વ્યય, સંક્રમણ તથા નિષ્ક્રમણની ઊંડાણભરી સમજણ તથા વિચારણા કરતાં જણાય છે કે પૂર્ણાતિપૂર્ણ આજ્ઞા પામવા માટે અપૂર્ણ પંચ પરમેષ્ટિ પરમાણુની પ્રાપ્તિ જીવ કેવી રીતે કરે છે એ વિચારવું જરૂરી બને છે, એ શ્રી પ્રભુ આપણને સમજાવે છે.
“હે પ્રભુ! તમારા અનંત ઉપકાર તથા કૃપાને સરળતાથી ભક્તિસહિત, વિનયાધીન પૂર્ણાતિપૂર્ણ આજ્ઞામાં આભાર રૂપે પરિણમાવવા માટે તમારી પાસે આ બાળક વીર્ય, આજ્ઞા તથા સાથ માગે છે. હે પરમકૃપાળુ દેવેશ્વર ! કર્મ સામે વજસમાન પ્રભુ! તમારી પાસે આ દીન, વીર્યહીન બાળક આ અપૂર્વ જ્ઞાનને અનુભવવાણી રૂપે અનુભવવા માટે પાત્રતાનું દાન માગે છે. અહો! વીતરાગતાના સ્વામી ! આજ્ઞા રૂપી પૂર્ણતાના બ્રહ્મા તથા વિષ્ણુ અને અપૂર્ણતાના મહેશ! તમે ત્રિવિધ સાથથી મારી અપૂર્ણતાને તમારી પૂર્ણાતિપૂર્ણતામાં પરિણમાવો; એ જ પરમભક્તિ સહિતની પરમ વિનંતિ છે, શ્રી પ્રભુ! શંખના અપૂર્વ ૐનાદથી જ્ઞાનદાન કરી એ જ અનુભવવાણીને પરમગુરુના સાથથી શબ્દદેહ આપવાનું સામર્થ્ય આપી, કપરું કાર્ય આજ્ઞામાં રાખી કરાવો.”
જીવને કોઈ પણ શુદ્ધિ અથવા સિદ્ધિ પ્રાપ્ત કરવી હોય તો એને કોઇક ને કોઇક વ્યક્તિગત આત્મા તથા પરમાણુરૂપ પંચાસ્તિકાય તરફથી દાન જોઇએ છે. આ દાનની ઉત્તમતા કરવા માટે દાનને લગતાં લાભાંતરાય, ભોગાંતરાય, ઉપભોગાંતરાય, દાનાંતરાય, જ્ઞાનાંતરાય આદિ સર્વ અંતરાય કર્મનો ક્ષય કરવો પડે છે. એ અંતરાયના ક્ષય સાથોસાથ અંતરાય ગુણના આશ્રવની પણ આવશ્યકતા છે. આ અતિ દુર્લભ તથા દુષ્કર કાર્ય કરવા માટે ક્યો માર્ગ આચરવો તે જાણવું અગત્યનું છે. વળી, એ માર્ગ સરળ, સચોટ અને સુગમ હોય તો કોઈ પણ વ્યક્તિને માટે તેની સમજણ સહજતાએ પ્રાપ્ત થઈ શકે. કરુણાના મહાસાગર પ્રભુ! એમના આ ભાવને ગતિ આપવા પોતાના અતિ સૂક્ષ્માતિસૂક્ષ્મ જ્ઞાનના પેટાળમાંથી આ દુષ્કર-દુર્લભ કાર્ય માટે સુલભ તથા સરળ માર્ગ બતાવે છે.
૩૨૦