________________
સમય માત્રનો પણ પ્રમાદ કર્તવ્ય નથી
સાનિધ્ય મેળવી, એમના કહ્યા અને કર્યા પ્રમાણે કરવું જોઈએ. આવા આત્માઓ છે શ્રી પંચપરમેષ્ટિ ભગવંત. તેમની ભાવના અને તેમનું કાર્ય વિચારતાં સમજાય છે કે તેમને શા માટે સર્વશ્રેષ્ઠ કહ્યાં છે.
શ્રી પંચપરમેષ્ટિ ભગવંતમાં શ્રી અરિહંત પ્રભુ, શ્રી સિધ્ધપ્રભુ, શ્રી આચાર્યજી, શ્રી ઉપાધ્યાયજી અને આખા લોકનાં સાધુસાધ્વીજીનો સમાવેશ કર્યો છે. જે આત્માઓ જીવ સમસ્તના કલ્યાણના ભાવ ઓછામાં ઓછી અમુક માત્રામાં કરી, પ્રભુ આજ્ઞાએ ચાલી, પ્રમાદને પરાસ્ત કરી, સ્વપરકલ્યાણ ક૨વામાં વ્યસ્ત છે, તેમનો જ સમાવેશ પંચપરમેષ્ટિ પદમાં શ્રી પ્રભુએ કર્યો છે. જેઓ વ્યવહારથી એ પદે પહોંચ્યા હોય, પણ ઉપર જણાવ્યાં તેવાં લક્ષણો તેમનામાં ન હોય તો તેવાં આચાર્ય, ઉપાધ્યાય કે સાધુસાધ્વી પરમેષ્ટિ પદમાં સમાવેશ પામતાં નથી. કારણ સ્પષ્ટ છે કે જો તેમના કલ્યાણભાવમાં જીવ સમસ્તનો સમાવેશ થતો ન હોય તો તેઓ ‘પરમ ઈષ્ટ’ કેવી રીતે કહેવાય ? અથવા તો તેમનાં જ્ઞાન, દર્શન કે ચારિત્રની યોગ્ય ખીલવણી ન થઈ હોય તો અન્યને ઉપકારી કેવી રીતે થઈ શકે? આવા જીવો છદ્મસ્થ અવસ્થામાં પંચપરમેષ્ટિ પદમાં સ્થાન પામતા નથી; પરંતુ તેમણે સેવેલા કોઈ પણ માત્રાના કલ્યાણભાવને આધારે તેઓ જ્યારે ક્ષપક શ્રેણિએ ચઢે છે ત્યારે તેઓ જીવ સમસ્ત માટે ઉત્કૃષ્ટતાએ કલ્યાણભાવ વેદે છે, અને તે પછી કેવળજ્ઞાન તથા કેવળદર્શન પ્રગટાવે છે. તેમણે વેદેલા આ ભાવની સિદ્ધિ માટે, સિદ્ધ થતી વખતે તેઓ તેમની શુદ્ધિનાં કારણે પરમેષ્ટિ પદનાં બીજા પદમાં તરત સામેલ થઈ જાય છે. સિદ્ધપ્રભુ પંદર ભેદમાંના કોઈ પણ ભેદથી સિધ્ધ થયા હોય તો પણ સિધ્ધ થયા પછી એ ભેદ નીકળી જાય અને સહુ બીજા પદમાં સમાવિષ્ટ થાય છે.
શ્રી પંચપરમેષ્ટિ પદમાં આત્મશુદ્ધિની અપેક્ષાએ શ્રી સિદ્ધપ્રભુ અગ્રસ્થાને બિરાજે છે. એનું મુખ્ય કારણ તેમનું પૂર્ણ આજ્ઞાપાલન છે. આજ્ઞાપાલનની જેમ જેમ યથાર્થતા આવતી જાય છે તેમ તેમ જીવનો પ્રમાદ ક્ષીણ થતો જાય છે, અને આત્મિક શુદ્ધિ વધતી જાય છે, એ આપણે જાણીએ છીએ. તો શ્રી સિદ્ધપ્રભુનું આજ્ઞાપાલન કેવી રીતે શ્રેષ્ઠ છે તે આપણે સમજવા પ્રયત્ન કરીએ.