________________
કેવળી પ્રભુનો સાથ
આહારથી શુદ્ધ કરી શકે છે. આજ્ઞારસ ત્રણ પ્રકારે છેઃ સ્વકલ્યાણક, પરિકલ્યાણક અને સ્વપકલ્યાણક. આ આજ્ઞારસની પ્રક્રિયા જીવ પર કેવી રીતે થાય છે તે આપણે પહેલાં જાણ્યું છે, હવે એનાથી જીવ શુદ્ધ આહાર કેવી રીતે ગ્રહણ કરી શકે છે અને પોતાના વિભાવને આજ્ઞારસના માધ્યમથી કેવી રીતે સ્વભાવ તરફ વાળે છે તે વિશે વિચારીએ.
૬. સંજ્ઞી જીવનું સંવર પ્રેરિત મહાસંવર માર્ગનું આરાધન સંજ્ઞાથી જીવ વિભાવ કરી, તેનાં કર્તાપણાને દૂષિત કરે છે. કર્તાપણું દૂષિત થવાથી આહાર દૂષિત થાય છે. કર્તાપણું આત્માનો ગુણ હોવાથી તેનો ત્યાગ જીવ ક્યારેય કરતો નથી. આથી તેનો આહાર સતત ચાલુ રહે છે. માટે જો જીવની પરિણતિ કે ભાવ શુદ્ધ થાય તો જ તે આહારને શુદ્ધ કરી શકે. આવા વિભાવને શુદ્ધ કરવા કે અનાદિથી પડેલી વિભાવ કરવાની ટેવને સુલટાવવા જીવને સાથની જરૂર પડે છે. આ સાથે જીવને આજ્ઞારસ આપે છે. જીવને આજ્ઞારસ કલ્યાણનાં પરમાણુમાંથી મળે છે.
પહેલી ભૂમિકામાં જીવ માત્ર સ્વકલ્યાણની ઇચ્છા કરે છે. તેથી સ્વકલ્યાણમાં જવા માટેનો સકામ પુરુષાર્થ કરી જીવ કલ્યાણનાં પરમાણુઓને ગ્રહણ કરે છે. વિહાર અને નિહાર તો મહાસંવર માર્ગમાં ઉત્કૃષ્ટ થયા જ હોય છે, તેની સાથે સાથે જીવ જ્યારે આહારની વિશુદ્ધિ સકામપણે કરતો થાય છે, ત્યારે તેના વિહારનું બળ અસંખ્યાત કે અનંતગણું વધી જાય છે. કારણ કે સકામ વિશુદ્ધ આહાર માટે તેને જે અભિસંધિજ વીર્યની જરૂરત છે તે વીર્ય તેને વર્તમાનના આહારથી મળે છે. અને ભૂતકાળના સંચિત વીર્યમાંથી તેને વીર્ય ખેંચવું પડતું નથી. તાજા વીર્યના ઓછા જથ્થાથી પણ શુદ્ધ વિહાર કરી શકાય છે. આ રીતે જીવ જેટલો વિશુદ્ધ વિહાર કરે છે, તેટલી તેની યોગની શક્તિ અભિસંધિજ વીર્યના અકામ ઉપયોગથી બળવાન થાય છે, જેને લીધે તેનો નિહાર પણ વિશુદ્ધ થાય છે.
૨૬૨