________________
સર્વોત્કૃષ્ટ શુદ્ધિ ત્યાં સર્વોત્કૃષ્ટ સિદ્ધિ
ભક્તિરૂપી સેતુથી પ્રવેશી, એ જીવના એક પ્રદેશને તીર્થકરના કલ્યાણક વખતની સ્થિતિ જેવા કરે છે. જેમ જેમ કલ્યાણક આગળ વધે છે, તેમ તેમ નવા પ્રદેશો ખૂલવા સાથે પૂર્વના રુચક પ્રદેશો શુદ્ધ થતા જાય છે. એ પરથી અનુભવાય છે કે ભાવિ તીર્થકર પ્રભુ પણ ભક્તિરૂપી સાગરને માણતાં માણતાં પોતાની પૂર્વની સિદ્ધિને સુધારતા અને વધારતા જાય છે. જો આ કાર્ય અન્ય કોઈ માર્ગે થતું હોત તો પહેલા અને છેલ્લા રુચક પ્રદેશ વચ્ચે તફાવત હોત. પણ શુધ્ધ ભક્તિના માધ્યમથી તે ભિન્ન ન થતાં સમાન બને છે. આ નિ:સંશય છે.” “જે જીવો પોતાનાં દુષ્કર્મને કારણે ત્રસ નાડીની બહાર ફેંકાઈ ગયા હોય છે, તેઓ ત્યાં એકેંદ્રિયરૂપે જન્મમરણ કરતા જ રહે છે. ત્યાં તેમને કોઈ સપુરુષનો પ્રત્યક્ષ યોગ આગળ વધવા માટે મળી શકતો નથી, કારણ કે ત્રસનાડીની બહાર તો માત્ર એકેંદ્રિય જીવો જ વસે છે. કોઈ પણ ત્રસકાય જીવ ત્યાં રહી શકતા નથી. પરંતુ જ્યારે શ્રી કેવળીપ્રભુ સિદ્ધ થતાં પહેલાં કેવળી સમુદુઘાત કરે છે, ત્યારે તેમના આત્મપ્રદેશો આખા લોકમાં ફેલાતા હોવાથી, ત્રસનાડીની બહારના લોકના ભાગમાં પણ ફેલાય છે. એ વખતે ત્યાં દુઃખમાં ખદબદતા જીવોમાંથી કેટલાક જીવો કેવળીપ્રભુના શુધ્ધ પ્રદેશના સ્પર્શ પ્રત્યે ભક્તિ વેદે છે. અને તે વખતે તે જીવો પ્રભુના પ્રદેશનો સહારો લઈ ત્રસ નાડીમાં પુનઃ પ્રવેશ કરે છે. હે ભક્તિ! તારા આ અવર્ણનીય અનંત ઉપકારને અંતરના રોમેરોમથી નમસ્કાર કરીએ છીએ.”
ત્રસનાડીના પુન:પ્રવેશ પછી, સૂક્ષ્મ એકેંદ્રિયરૂપે જીવ અનંતકાળ દુ:ખમાં રહેવા છતાં, જ્યારે ઉત્તમ પુરુષનો સંપર્ક પામે છે, ત્યારે તે ઉત્તમ પુરુષના શુદ્ધ અને શુભ ભાવોનું ભક્તિરૂપી આંગણામાં સ્વાગત કરી, તે ભક્તિની સહાયથી ઇન્દ્રિયજનિત આત્મિક શક્તિને વધારતો જાય છે. આમ કરતાં કરતાં તે ભક્તિના આશ્રયે પાંચે પ્રકારનાં એકેંદ્રિયપણામાંથી પસાર થઈ, વિકાસ કરી, ત્રસકાય બની, બે, ત્રણ, ચાર, પાંચ અને સંજ્ઞી પંચેન્દ્રિયપણા સુધી વિકાસ કરે છે.
૨૨૭