________________
સર્વોત્કૃષ્ટ શુદ્ધિ ત્યાં સર્વોત્કૃષ્ટ સિદ્ધિ
આ સિદ્ધિ આવ્યા પછીથી જીવના આઠ રુચક પ્રદેશો તથા બોધવાસીત પ્રદેશો ફરીથી આખા દેહમાં ફર્યા કરે છે. એ આઠે બોધવાસીત પ્રદેશો ફરતાં ફરતાં જ્યારે ફરીથી આઠ રુચક પ્રદેશની બાજુમાં પૂર્વવતુ ગોઠવાઈ જાય છે, ત્યારે તે વખતે તેને કાં તો પહેલાના અને કાં તો અન્ય કોઈ તીર્થંકર પ્રભુના વીતરાગ બોધથી સંચિત કલ્યાણના પરમાણુઓનો સંપર્ક થાય છે. કલ્યાણનાં આ પરમાણુઓ ઘાતિ કર્મોને ક્ષય કરનાર વીતરાગબોધને રુચક પ્રદેશમાંથી ખેંચી પાસેના આઠ પ્રદેશ પર રસની ધાર કરાવે છે. તેના પરિણામે પહેલાના વીતરાગ બોધરસ અને નવીન વીતરાગ બોધરસના પ્રભાવથી એ આઠે પ્રદેશ પરથી સર્વ ઘાતિકર્મ તથા અશુભ અઘાતિકર્મ અન્ય અશુધ્ધ પ્રદેશો પર સરી જાય છે. અને કેવળીપ્રભુના આત્મપ્રદેશો સમાન શુધ્ધ થયેલા આ આઠે પ્રદેશો ‘કેવળીગમ્ય પ્રદેશો” તરીકે ઓળખાય છે. કેવળગમ્ય પ્રદેશના સાધન દ્વારા શ્રી કેવળીપ્રભુ જીવને સાથ આપી આત્મશુદ્ધિ વધારવામાં મદદ કરી શકે છે. આ કેવળીગમ્ય પ્રદેશની પ્રાપ્તિ સાથે શ્રી તીર્થકર પ્રભુના આત્મામાંથી નીકળેલો બોધરસ તેમાં એવી રીતે સ્થપાય છે કે જેથી તે પ્રદેશો કેવળી પ્રભુના સાથને સમજી શકે છે, ઓળખી શકે છે અને કાર્યસિદ્ધિ કરવા તેમનો સાથ લઈ શકે છે. આમ કેવળીગમ્ય પ્રદેશોની પ્રાપ્તિ થયા પછી જીવને મિથ્યાત્વના ઉદયને તોડવા માટે શ્રી તીર્થકર પ્રભુ ઉપરાંત શ્રી કેવળી પ્રભુનો સાથ પણ ઉપકારી થાય છે. તેથી જીવને આત્મિક વિકાસ કરવા માટે વિશેષ સુવિધા પ્રાપ્ત થાય છે.
શ્રી કેવળીપ્રભુનાં કલ્યાણનાં પરમાણુની તીક્ષ્ણતા અને કલ્યાણરસ શ્રી તીર્થકર પ્રભુનાં કલ્યાણનાં પરમાણુ કરતાં ઊતરતી કક્ષાનાં હોય છે. એ ઊતરતી કક્ષાને જીવ સમજી શકે તે માટે શ્રી પ્રભુએ કેવળીગમ્ય પ્રદેશનું માધ્યમ બનાવ્યું છે. આ પ્રદેશો ઘાતિકર્મ તથા અશુભ અઘાતિ કર્મોથી રહિત છે, માટે વીતરાગનાં પરમ વીર્યનાં ધારક છે. પરંતુ આ પ્રદેશો પર શુભ અઘાતિ કર્મ તો હોય જ છે, તેથી એ કર્મના ઉદયે એ પ્રદેશો કેવળીપ્રભુની જેમ યોગ સાથે જોડાય છે. જ્યારે તે યોગ સાથે જોડાય છે ત્યારે તે શાતાવેદનીયની પરમાર્થ પ્રકૃતિને ખેંચે છે. એ દ્વારા તેને શ્રી કેવળ પ્રભુનાં કલ્યાણનાં પરમાણુઓને ઓળખવાનું સાધન – માધ્યમ પ્રાપ્ત થાય છે. જેમ પુરુષના
૨૧૯