________________
આત્મિક શુદ્ધિથી પરમાર્થિક સિદ્ધિ
પાછો પાડે છે. આથી ક્ષપક શ્રેણિમાં એકધારા આગળ વધવા માટે આ બંને પ્રવાહોમાં ઉપયોગને પૂર્ણ લક્ષથી એકસાથે કેંદ્રિત કરી, મહાસંવરના માર્ગને આરાધવો જીવ માટે અનિવાર્ય બને છે. મહાસંવરના ઉત્તમ આરાધન વિના ક્ષપકશ્રેણિ સંભવિત બનતી નથી. વળી, મહાસંવરનો માર્ગ આરાધવો અતિ દુષ્કર હોવાથી તે અપૂર્વ પુરુષાર્થરૂપ પૂર્વ તૈયારી માગે છે. આ તૈયારી કરવા જીવે સંવર તથા નિર્જરા માર્ગને વાસ્તવિક સ્વરૂપમાં જાણવા ઘણા જરૂરી છે.
સંવર એ કર્મરૂપી શત્રુને ખાળવા માટે પાળરૂપ પ્રવાહ છે, તેમાં પ્રાર્થના, મંત્રસ્મરણ અને ધ્યાન સમાયેલાં છે. આ ત્રણેના સમન્વયથી જીવ સંવરના પ્રવાહને અનુભવી શકે છે. નિર્જરા એ સંવરના પ્રવાહમાં અંતર્ગત વહેતો, કર્મને નિ:શેષ કરતો બીજો પ્રવાહ છે. અને તેને ક્ષમાપના, મંત્રસ્મરણ તથા ધ્યાનના અનુભવથી માણી શકાય છે.
પ્રાર્થના દ્વારા જીવ શ્રી પ્રભુ પાસે કાર્યસિદ્ધિ કરવા માટે શક્તિ માગે છે, જેનાં ફળરૂપે શ્રી પ્રભુ એ જીવને રક્ષણ કરનાર કલ્યાણનાં પરમાણુઓથી રચાયેલું કવચ વરદાનરૂપે આપે છે. મળેલાં કવચની સહાયથી અને પુરુષાર્થથી જીવ નવાં કર્મના આશ્રવથી બચી જાય છે. પરિણામે તેને પૂર્વસંચિત કર્મનો ક્ષય કરવા માટે સમય તથા વીર્યનો લાભ મળે છે. તે થકી તે જીવ ક્ષમાપનાના પુરુષાર્થમાં પ્રવર્તે છે. ક્ષમાપના કરતાં રહેવાથી તે જીવ વર્તમાનમાં, પોતાનાં ભાવિમાં ઉદયમાં આવનારા કર્મને સ્વ ઇચ્છાથી વેદે છે. તે વેદીને એ કર્મનો ક્ષય કરતો જાય છે. પૂર્વકર્મોને આ રીતે ક્ષીણ કરતાં જવાથી તેનો આત્મા પરનો ભાર હળવો થાય છે, એટલે તે પ્રભુ પાસેથી મળેલાં કવચ માટે અહોભાવ વેદે છે, અને અત્યાર સુધી મળી ન હતી તેવી આત્મિક શુદ્ધિ કરવાની ચાવી તે મેળવે છે. અહોભાવની લાગણી અને પૂર્વકર્મ ભોગવીને ખેરવી નાખવાની લાગણી, એ બેમાં તેને અહોભાવની લાગણી વધારે પ્રિય લાગે છે, કારણ કે તેમાં તેને સહજસ્વરૂપનો ભાસ થાય છે. તેથી સહજતાએ ક્ષમાપનાના પુરુષાર્થમાંથી બહાર નીકળી, પ્રભુના ગુણોને વર્ણવતા મંત્રસ્મરણમાં લીન થવા લાગે છે. આ મંત્રસ્મરણમાં તેને સંવર તથા નિર્જરા એ બંને પ્રવાહનો વારાફરતી અનુભવ
૧૫૧