________________
આત્મિક શુદ્ધિથી પરમાર્થિક સિદ્ધિ
પૂર્ણ તથા અપૂર્ણ આજ્ઞા એટલે શું ? સ્થૂળતાથી તેનો વિચાર કેવી રીતે કરી શકાય કે જેથી જીવને સ્પષ્ટતાથી લક્ષ આવી શકે કે તે પૂર્ણ આજ્ઞામાં છે કે અપૂર્ણ આજ્ઞામાં સરી પડયો છે?
શ્રી અરિહંત પ્રભુ અંતર્નાનની પ્રસાદીરૂપે આપણને સમજણ આપે છે. દરેક છદ્મસ્થ જીવને તેનાં પૂર્વકૃત કર્માનુસાર શાતા તેમજ અશાતાના ઉદયો આવ્યા જ કરે છે. છઠ્ઠા ગુણસ્થાને વર્તતા મોટાભાગના જીવો અશાતાના ઉદયમાં શ્રી પ્રભુની આજ્ઞા મુજબ ચાલવાનો નિર્ણય રાખી, પ્રયત્નવાન રહે છે, અને તેઓ શાતાના ઉદયમાં અમુક માત્રામાં સ્વચ્છંદે વર્તે છે. આમ તેઓ પ્રભુની આજ્ઞાને માત્ર અશાતાના ઉદયમાં વિશેષે પાળે છે અને શાતાના ઉદયમાં આજ્ઞાપાલનમાં શિથિલ થાય છે. અંતરંગમાં તેમને સંસારસ્પૃહા વર્તતી હોય છે તેના અનુસંધાનમાં તેઓ શાતાના ઉદય વખતે સ્વચ્છંદમાં ચાલ્યા જાય છે, અને એ દ્વારા તેઓ પોતાની સંસારી સ્પૃહાને પોષણ આપે છે. તેમના અંતરંગમાં ઊંડે ઊંડે એવી ભીતિ વસી હોય છે કે તેઓ જો સંસારી શાતાના ઉદયમાં શ્રી પ્રભુની આજ્ઞાએ ચાલશે તો તેમની મનીષા અધૂરી રહી જશે, કેમકે તેમની આજ્ઞા તો સંસારના સર્વ પ્રકારના ઉદયોમાં નકાર વેદવાની છે, જે તેની અંતરંગ સ્પૃહાની વિરોધવાળી છે. આથી તેઓ સ્પૃહાના કારણે શાતાના ઉદયોમાં સ્વચ્છંદે વર્તે છે. ઉપરાંતમાં તેઓ શાતાના ઉદયો માટે લોભ તથા માનનું વેદન કરે છે, જે તેમને રાગપ્રેરિત દ્વેષમાં દોરી જાય છે. આવા સગવિડયા આજ્ઞાપાલનને શ્રી પ્રભુજી ‘અપૂર્ણ આજ્ઞાપાલન' તરીકે ઓળખાવે છે.
છઠ્ઠા ગુણસ્થાને પહોંચતા પહેલાં જીવનાં મન, વચન, તથા કાયા સ્વચ્છંદે જ વર્તતા હોય છે, માત્ર આત્મવિકાસ કરતી વખતે જ તે આજ્ઞામાં આવતાં હોય છે. તેથી છઠ્ઠા ગુણસ્થાને મન, વચન તથા કાયાની સોંપણી થયા પછી જ જીવમાં અપૂર્ણ આજ્ઞા કે પૂર્ણ આજ્ઞામાં રહેવાની શક્તિ આવે છે. શરૂઆતમાં અપૂર્ણ આજ્ઞામાં વર્તી, આરાધનને વિશુદ્ધ કરતાં કરતાં જીવ પૂર્ણ આજ્ઞા પ્રતિનો વિકાસ સાધી પૂર્ણ આજ્ઞા પાળતાં શીખતો જાય છે.
૮૫