________________
પ્રકરણ ૧૫ આત્મિક શુદ્ધિથી પરમાર્થિક સિદ્ધિ
સમયમાત્રનો પણ પ્રમાદ કર્તવ્ય નથી', એ શ્રી મહાવીર ભગવાને આપેલો બોધ અવધારી, જીવ શ્રી પ્રભુની કૃપા પામી, અપ્રમાદી બની, જેમ જેમ સન્માર્ગમાં પોતાનો પુરુષાર્થ વધારતો જાય છે તેમ તેમ તેના આત્મા પરથી કર્મરૂપી મેલ નીકળતો જાય છે, અને તેની વિશુદ્ધિ વધતી જાય છે. આત્માની શુદ્ધિ વધવાથી તેને પરમાર્થિક સિદ્ધિઓ મળતી જાય છે. આ પ્રક્રિયાને વિચારવાથી, “આત્મિક શુદ્ધિથી પરમાર્થિક સિદ્ધિ' વિષય વિશે સમજાય છે કે આત્મિક શુદ્ધિ એ કારણ છે અને પરમાર્થિક સિદ્ધિ એ પરિણામ અથવા કાર્ય છે. આ વાતને યથાર્થ સમજવા માટે આપણે “આત્મિક શુદ્ધિ અને “પરમાર્થિક સિદ્ધિ’ એટલે શું તે જાણવું જોઈએ.
આત્મિક શુદ્ધિ' એટલે આત્મા કે જીવમાં ઉપજતા શુદ્ધ સ્વરૂપની વૃદ્ધિ. જીવ મન, વચન તથા કાયાની જે પ્રવૃત્તિથી કર્મમળને તજતો જાય છે, પોતાની સ્વરૂપલીનતા વધારતો જાય છે અને આત્મશુદ્ધિ વધારતો જાય તે પ્રવૃત્તિ તેની પરમાર્થિક સિદ્ધિ મેળવવામાં સહાયક થતી જાય છે. એટલે કે જીવની જેમ જેમ આત્મશુદ્ધિ વધતી જાય છે, તેમ તેમ તે પરમાર્થિક સિદ્ધિ મેળવતો જાય છે.
પરમાર્થિક સિદ્ધિ' એટલે જીવને પરમાત્મા કે સિદ્ધપ્રભુ જેવી સિદ્ધિ મળતી જવી. પરમાત્માને અનંત પ્રકારની સિદ્ધિઓ પ્રાપ્ત થઈ હોય છે. આમાંની મોટા ભાગની સિદ્ધિઓ તેમને સિધ્ધત્વ પ્રાપ્ત થવાની સાથે ઉપજે છે, પરંતુ તેમાંની એક સિદ્ધિ એવી છે કે જેની શરૂઆત નિત્યનિગોદમાં રહેલા જીવને રુચક પ્રદેશો પ્રાપ્ત થવાની સાથે થાય છે. આ સિદ્ધિને કારણે તે જીવનો એક પ્રકારનો વિશેષ પુરુષાર્થ શરૂ થાય છે, અને તે વધતા વધતા આત્મા સિદ્ધ થાય છે ત્યારે પૂર્ણતા પામે છે!
૮૧