________________
શ્રી પંચપરમેષ્ટિ ભગવંતનો સાથ
દેશના પ્રકાશવાની છે તેની ઉદ્ઘોષણા દેવદુંદુભિ દ્વારા કરે છે, પ્રભુ માટે બેસવાના સિંહાસનની રચના કરે છે, પ્રભુ ઉપર સતત દેવકૃત ત્રણ છત્ર છાયા કરે છે, અને પ્રભુનાં આત્મતેજને બિરદાવતા ભામંડળનાં દર્શન સહુને થાય એવી પ્રભા અર્પે છે, આવી ભવ્ય સ્થિતિમાં પ્રભુ દેશના પ્રકાશે છે ત્યારે તેમનો ધ્વનિ સહુ જીવો પોતપોતાની ભાષામાં સમજી અર્થગ્રહણ કરે છે અને દેવો પ્રભુનો મહિમા બતાવવા તથા તેમના પ્રતિનો પૂજ્યભાવ પ્રગટ કરવા પ્રભુને ચામર વીંઝે છે. આ આઠ અતિશયો પ્રભુનાં પ્રતિહારી ગણાય છે, કારણ કે તેનાથી પ્રભુના આગમનની જાણકારી જીવોને મળે છે. તે ઉપરાંત બીજા ચાર અતિશયો પણ પ્રભુના ગુણ તરીકે સ્વીકારાયા છે.
શ્રી પ્રભુ સમવસરણમાં અશોકવૃક્ષ નીચે બેસીને દેશના આપે છે. દેવો આ વૃક્ષ વિદુર્વે છે, તે વૃક્ષ ભગવાનના કદ કરતાં બાર ગણું ઊંચુ હોય છે, અને અચેત હોય છે. આ વૃક્ષને મુખ્યતાએ પાંચ શાખા અને ગૌણતાએ અનેક શાખાઓ હોય છે. બધી શાખાઓ અચેત પર્ણોથી ભરચક હોય છે. તેમાં વચલી શાખા સીધી ઊંચી હોય છે અને બાકીની ચાર શાખાઓ ચાર બાજુ વળેલી હોય છે. વૃક્ષના ઉપરના પાંચ ભાગમાં ડાળીઓ, પાન, ફૂલ આદિ વૃક્ષને ભરપૂર શોભા આપે છે અને નીચેના સાત ભાગમાં થડ હોય છે. એ દ્વારા સૂચવાય છે કે સાતમાં ગુણસ્થાને પહોંચ્યા પછી જીવ સાચા ઉપદેશક થવાની પાત્રતા મેળવે છે, અને ચોતરફ ધર્મપ્રવર્તન કરી જીવોને આત્માના ગુણોથી સમૃધ્ધ થવામાં ખૂબ સહાયરૂપ થાય છે. પાંચ મુખ્ય ડાળીઓ એ સમજાવે છે કે પાંચ પ્રકારના જ્ઞાન વિકસાવવામાં શ્રી સત્પરુષનો ફાળો અતિ અતિ મહત્વનો છે. વચલી ડાળી શ્રેણીના પાંચ ગુણસ્થાન ૮, ૯, ૧૦, ૧૨ અને ૧૩ નું સૂચવન કરે છે. ટોચ પર પહોંચતા કેવળજ્ઞાન પ્રકાશિત થાય છે. બાકીની ચાર શાખાઓ પ્રથમના ચાર જ્ઞાનનું પ્રતિનિધિત્વ કરી તે જ્ઞાનનો વિકાસ થાય છે તે સમજાવે છે. સાથે સાથે ચારે ગતિના જીવો શ્રી પ્રભુની કૃપાથી વિકાસ સાધી પંચમ ગતિ મોક્ષ મેળવવા ભાગ્યશાળી થાય છે. આવા પવિત્ર અને શુભફળ આપનાર અશોકવૃક્ષના જેને દર્શન થાય છે તેમનું મન શોકરહિત થઈ જાય છે, અશોકવૃક્ષ નજીક આવતાં હૃદયમાં
૩૨૭