________________
૧. દાન દ્વારા ઉદાત્ત માનવભાવનાનો વિકાસ થાય છે
ઉપનિષદમાં એક પ્રસંગ છેઃ એકવાર દેવ, અસુરો અને મનુષ્યોએ બ્રહ્માને કહ્યું કે ‘અમને કર્તવ્યનું જ્ઞાન આપો,' બ્રહ્માએ દ દ દ નો ધ્વનિ કર્યો. દેવતાઓ તેનો અર્થ સમજયા કે ઇન્દ્રિયોનું દમન કરો, અસુરોએ એનો અર્થ કર્યો કે જીવો પર દયા કરો અને મનુષ્યોએ બોધ પ્રાપ્ત કર્યો કે દાન કરો અને એ પ્રતિબોધને માનવોએ આચરણમાં મૂક્યો.
જે એક હાથે દાન આપે છે તે બંને હાથે મેળવી શકે છે. દાનથી સમૃદ્ધિમાં ગુણકગતિએ વૃદ્ધિ થાય છે. દાન પ્રતિષ્ઠા કે અહંકારની તૃપ્તિ માટે નહીં પરંતુ દાનથી કરુણા, સ્નેહ, સેવા અને બંધુત્વ જેવી પવિત્ર ભાવનાનો વિકાસ થાય છે. તેનાથી મનુષ્યની માનવતા અને દાનવૃત્તિની વૃદ્ધિ થાય છે. દિવ્યતાની જાગૃતિ સાથે ઇશ્વરીય આનંદની અનુભૂતિ થાય છે. માટે જ જગતનાં દરેક ધર્મ, દર્શન કે સંપ્રદાયમાં દાનભાવનું મહત્ત્વ છે. પરંતુ જયાં આવી ધાર્મિક શ્રદ્ધા નથી તેવા સમાજમાં પણ દાનની પરંપરાને ઉપયોગી
માનીને કહ્યું છે કે, મંદિરમાં પ્રાર્થના માટે જોડાયેલા બે હાથ કરતાં દાન દેવા માટે ઉઠેલો એક હાથ પણ વધુ મહત્ત્વનો છે.
ભારતીય વૈદિકદર્શનમાં મીમાંસાદર્શન પુણ્યવાદી દર્શન છે. તેમાં બ્રાહ્મણોને દીધેલા દાનથી પુણ્ય ઉપાર્જન કરી શકાય તેવું બતાવવામાં આવ્યું છે. જયારે શ્રમણ સંસ્કૃતિની જૈન અને બૌદ્ધ પરંપરાઓએ સુપાત્રે દાન કરવાની અને દાનની ભાવનાને વધુ મહત્ત્વ આપ્યું છે. બૌદ્ધધર્મમાં બુદ્ધત્વ પ્રાપ્ત કરવા માટે જે દશ પારમિતાઓનું વર્ણન કરવામાં આવ્યું છે તેમાં દાનનો સમાવેશ થઈ જાય છે. ભગવાન બુદ્ધે દીધનિકાયમાં દાન વિષે જણાવ્યું છે કે, ‘સત્કારપૂર્વક, ભાવનાપૂર્વક, આપણા પોતાના હાથે દોષરહિત અને શ્રદ્ધાપૂર્વક દીધેલું દાન પવિત્ર દાન છે. ધમ્મપદમાં તેમણે એક બહુ જ સુંદર વાત કહી છે. ધર્મનું દાન ઉત્કૃષ્ઠ દાન છે, કારણ કે ધર્મનો રસ જ તમામ રસોમાં શ્રેષ્ઠ રસ છે. ધર્મવિમુખ મનુષ્યોને ધર્મ પંથ પર લાવવા તે પણ એક દાનનો પ્રકાર જ છે.
જ્ઞાનદાન દેનાર સંતો, સત્પુરુષો અને ગુરુજનો પૂજનીય જ્ઞાનદાતા છે. શિક્ષકની સાથે માતા-પિતા પણ ઉપકારી જ્ઞાનદાતા
છે. આ જ્ઞાનનું ફળ વિરતિમાં, એટલે કે આચરણમાં પરિણમે તો જીવનનું ઉત્થાન થઇ જાય છે.
જૈન પરંપરામાં દાનને સત્કર્મ માનવામાં આવે છે. સ્વપરના કલ્યાણ અર્થે, પરિગ્રહ ઘટાડવા અને મમત્વ ઓછું કરવા કહ્યું છે. ઋષભદેવથી આરંભીને ચરમ તીર્થંકર ભગવાન મહાવીર સુધી બધા જ તીર્થંકરોએ વર્ષીદાન દીધું હતું.
વર્ષીદાન એટલે દીક્ષા પૂર્વે એક વર્ષ સુધી નિત્ય દાન કરવું. જૈન ધર્મમાં સમ્યજ્ઞાન, સમ્યક્દર્શન અને સમ્યક્ચારિત્રને મોક્ષ માર્ગ ગણવામાં આવે છે. દાનનો સબંધ ચારિત્ર સાથે છે.