________________
અપૂર્વ અવસર જે સ્વરૂપ સમજ્યા વિના, પામ્યો દુઃખ અનંત,
સમજાવ્યું તે પદ નમુ; શ્રી સદ્ગુરુ ભગવંત. આ.સિ.- (૧)
આ તુ સમજ્યો નથી એનાથી તને અનંત દુ:ખની પ્રાપ્તિ થઈ રહી છે. અનંત દુ:ખમાં તો તુ છો જ અને હજુ અનંત દુ:ખ અનંત કાળ સુધી પ્રાપ્ત થયા જ કરે એવા પ્રકારની આપણી સમજણ છે. જીવ શા માટે રખડ્યો? વચનામૃત-આંકપર-માં ભગવાન કહે છે, ‘નિગ્રંથ ભગવાને પ્રણીતેલા પવિત્ર ધર્મને માટે જે જે ઉપમાઓ આપીએ તે તે ન્યૂન જ છે. આત્મા અનંતકાળ રખડ્યો, તે માત્ર એના નિરુપમ ધર્મના અભાવે.’ આ આત્માની રખડપટ્ટીનું કારણ એ છે કે એ તીર્થંકરના માર્ગનો બોધ પામ્યો નહીં. એ જ્ઞાનીઓનો બોધ પામ્યો નહીં. એને બધું દાન મળ્યું, બોધિ દાન મળ્યું નથી. આ જગતમાં દુર્લભમાં દુર્લભ જો કંઈ હોય તો બોધિ દુર્લભ છે. જ્ઞાનીઓનો-સત્પુરુષોનો બોધ પ્રાપ્ત થવો એ પરમ દુર્લભ છે અને એ પ્રાપ્ત પણ કેવી રીતે થાય? કારણ ‘અપૂર્વ પોતાથી પોતાને પ્રાપ્ત થવું દુર્લભ છે, પણ જેનાથી પ્રાપ્ત થાય છે એનું સ્વરૂપ ઓળખાવુ દુર્લભ છે અને એ જ જીવની ભૂલભૂલામણી છે’
આ પ્રાપ્ત શેનાથી થાય? કોનાથી થાય? કોણ આપે? આ બોધિ ક્યાંથી મળે? તો કે ‘જે પામેલો છે તે જ માર્ગને પમાડે.’ જે પ્રગટેલો છે તે જ આપણો અંધકાર દૂર કરે. જે જાગેલો છે તે જ જગાડી શકે. એટલે જીવની ભૂલવણી એ જ છે કે એને માર્ગ ક્યાંથી મળે એનો ખ્યાલ નથી. એટલે જીવ પોતાની સમજણથી ચાલે છે. જ્ઞાની કહે છે અપૂર્વ અવસરની ઝંખના કરવાની છે. અપૂર્વ અવસર એવો ક્યારે આવશે? જ્ઞાની પોતે જ જવાબ આપે છે. પરમ કૃપાળુદેવની કરુણા તો અદ્ભુત છે. આ પુરુષની અમાપ કરુણા છે. ક્યો અવસર હવે જોઈએ છે? ‘ક્યારે થઈશું બાહ્યાંતર નિગ્રંથ જો?’ અપૂર્વ અવસર કયો? તો કહે, ‘બાહ્યાંતર’- અમે બાહ્ય અને અત્યંતર - બહારથી અને અંદરથી નિદ્રંથ ક્યારે થઈએ? આજ સુધી હું ચક્રવર્તી થયો છું, રાજા થયો છું, પ્રધાન થયો છું, માતા થઈ છું, પિતા થયો છું, ઇન્દ્ર થયો છું, દેવ થયો છું, અરે ! જંગલની અંદર વનરાજ પણ થયો છું. નરેન્દ્ર થયો છું, રાજેન્દ્ર થયો છું, મૃગ થયો છું, પણ ક્યારેય નિગ્રંથ થયો નથી. અને ક્યારેક નિગ્રંથ થયો છું - કૃપાળુદેવે કહ્યું છે કે ‘અનંતવાર જિનદીક્ષા-અનંતવાર આચાર્યપણું પ્રાપ્ત થયું છે' તો પછી કેમ કહ્યું કે નિગ્રંથ નથી
૧૭
અપૂર્વ અવસર
થયા. કારણ કે બધું બાહ્યભાવે કર્યું છે. અનંતવાર નિગ્રંથપણું પણ પ્રાપ્ત કર્યું છે તે બાહ્યભાવે. અત્યંતર ભાવે પ્રાપ્ત થયું નથી. હાથમાં ચરવડો, મુહપત્તિ લઈને ઉપકરણો ધારણ કર્યા છે, દ્રવ્ય, લિંગ અને ચિહ્નો ધારણ કર્યા છે. હાથમાં કમંડળ અને ત્રિશૂળ લીધા છે. ચિપિયા ખખડાવ્યા છે, ત્રિપુંડ તાણ્યા છે, જટાઓ વધારી છે પણ અંદરમાં કષાય ક્યારેય જીત્યા નથી. વિષય-કષાયથી જીવ ક્યારેય દૂર થયો નથી. સંસારના મોહનો એણે ક્યારેય નાશ કર્યો નથી. પોતે પોતાની જાતને છેતરે એવી અવસ્થા પ્રાપ્ત થઈ છે. પણ બાહ્યાંતર નિગ્રંથ થયો નથી. નિગ્રંથ કોણ? જૈન દર્શન કહે છે, જેની ગ્રંથિઓ છેદાય ગઈ છે તે. જે આત્માને કોઈપણ પ્રકારની ગ્રંથિ નથી. જેનો આત્મા ગ્રંથિથી મુક્ત છે અને આ ગ્રંથિ છે બાહ્ય અને અત્યંતર. એમાં બાહ્યગ્રંથિ ક્યા પ્રકારની છે? તો કે, જમીન, મકાન, ધન-ધાન્ય, ધાતુ, સુવર્ણ-રૂપુ, દ્વિપદ અને ચતુષ્પદ એટલે નોકર-ચાકર, સ્વજન-પરિજન આ બધું- આ નવ પ્રકારનો બાહ્ય પરિગ્રહ છે. તે બાહ્ય ગ્રંથિ છે. અને ચૌદ પ્રકારનો અત્યંતર પરિગ્રહ છે. આ અંતર પરિગ્રહમાં પહેલું મિથ્યાત્વ, ચાર કષાય અને નવ નોકષાય એમ કુલ ચૌદ. મિથ્યાત્વ, ક્રોધ, માન, માયા, લોભ, હાસ્ય, રતિ, અરતિ, ભય, શોક, જુગુપ્સા, સ્ત્રી વેદ, પુરુષ વેદ અને નપુંસક વેદ આ ચૌદ અત્યંતર ગ્રંથિ છે અને નવ પ્રકારની બાહ્ય ગ્રંથિ છે. એમ જીવ પચ્ચીસ પ્રકારનો પરિગ્રહ ધારણ કરીને બેઠો છે. આ ગ્રંથિથી એને છુટવું છે. ‘ક્યારે થઈશું બાહ્યાંતર નિગ્રંથ જો?’ ક્યારેક બાહ્ય પરિગ્રહ છોડ્યો છે તો અંતરની ગ્રંથિ રાખી છે. અને ક્યારેક અંતરની ગ્રંથિ છોડી છે તો બાહ્ય પરિગ્રહ રાખ્યો છે. અપૂર્વ અવસરમાં ભગવાન (સ્વયં) કહે છે, ‘ક્યારે થઈશું બાહ્યાંતર-નિગ્રંથ જો?” શ્રીમદ્ રાજચંદ્રજી પોતે એક એવી જીવતી જાગતી મિશાલ છે, ઉદાહરણ છે. કહે છે, · અંતરંગની અંદર નિગ્રંથતા થઈ છે પણ બહાર વ્યવહારનો ઉદય છે.’ અંતર અને બાહ્ય પરિગ્રહની ગ્રંથિથી મુક્ત થવાનું છે. તેને નિગ્રંથ કહે છે, જેની અંતર અને બાહ્ય ગ્રંથિઓ છેદાઇ છે.
ગુરુ અમારા કોણ? નિગ્રંથ. ગુરુ અમારા નિગ્રંથ છે. અને દેવ અમારા વિતરાગ છે. ‘પરમગુરુ નિગ્રંથ સર્વજ્ઞદેવ.’ આ જૈનત્વની ઓળખાણ છે. જેના ગુરુ નિગ્રંથ છે. જેને અંતર-બાહ્ય કોઈ ગ્રંથિ નથી. અને ગ્રંથિ બાહ્ય પરિગ્રહની
૧૧