________________
ભગવાન આદિનાથ --------
લોકોને ધર્મવિષયક કશું જ્ઞાન નથી. ધર્મ શું તે લોકો જાણતા નથી. કેવળ પોતાના પ્રાણપ્યારા પ્રભુનો વિયોગ તેમને વ્યાકુળ બનાવી રહ્યો છે. શ્રી ઋષભદેવે પોતાના રાજ્યની બરાબર વહેંચણી કરી. યુવરાજ ભરતને રાજ દંડ ગ્રહણ કરવા આજ્ઞા કરી. બીજી રાજકીય વ્યવસ્થા પણ કરી દીધી અને એક વર્ષ માટે ભગવાને સાંવત્સરિક દાનની શરૂઆત કરી.
ચતુષ્પથ તથા દરવાજાઓ પર ઘોષણા કરાવી કે, “જે એનો અર્થી હોય, તેણે આવીને તે લઈ જવું. ભગવાન મોંમાંગ્યું આપશે.”
શ્રી ઋષભદેવ જેવા દાતા ક્યાંથી મળે ? આમ દાન દેતાં એક વર્ષ વીત્યું અને રાજભાગનો સમય આવી પહોંચ્યો. લોકોને જોઈતી વસ્તુ મળી રહેતી હતી તેમ છતાં લોકોએ પણ ઋષભદેવનું થોડું દાન સ્વીકાર્યું. એક વર્ષ દરમિયાન ૩૮૮ કરોડ અને ૮૦ લાખ સોનૈયાનું દાન કર્યું. ચૈત્ર વદિ આઠમને દિવસે પૃથ્વીનાથે રાજવૈભવનો અંચળો ઉતાર્યો અને સંયમધર્મનો સ્વીકાર કર્યો. મસ્તક પરના કેશકલાપનો ચાર મુષ્ટિ વડે લોચ કર્યો. દેવ, દાનવ અને માનવે અપલક દૃષ્ટિએ આ અદ્ભુત દૃશ્ય જોયું. છઠની તપશ્ચર્યાવાળા ઋષભદેવે ચારિત્ર્ય ગ્રહણ કર્યું. આ સમયે જ એમને મન:પર્યવજ્ઞાન પ્રાપ્ત થયું.
સાધુનું જીવન કેટલું કઠિન હોય છે ! એમાં ખાંડાની ધાર પર ચાલવાનું હોય છે. ઉઘાડું માથું અને ઉઘાડા પગ સાથે વિહાર કરવાનો, ટાઢ અને તડકો વેઠવાનો, ભિક્ષા માંગીને ખાવાનું અને ભોંયપથારીએ સૂવાનું. ઋષભદેવે કચ્છ અને મહા કચ્છના રાજાઓને
__ ભગવાન આદિનાથ _ _ _ _ _ _ ૯ સંસ્કારી બનાવ્યા હતા. એ ચાર હજાર રાજાઓ પણ એમની પાછળ રાજપાટ ત્યાગીને ચાલી નીકળ્યા.
દીક્ષા વખતે કરેલા ઉપવાસના પારણાનો સમય થઈ ગયો, પણ ભગવાન કશું ગ્રહણ કરતા નથી. રસાળ ઝાડનાં ઝુંડ તો ફળથી ઝૂમી રહ્યાં હતાં, પણ એને જાણે કિંયાક ફળ સમજી એને સ્પર્શ કરતાં નથી. સ્વાદિષ્ટ જળનાં નવાણ ભર્યા છે. પરંતુ ખારો ધૂધ દરિયો ભર્યો છે એમ સમજી પ્રભુ એનું આચમન પણ કરતા નથી. કોઈએ ભોજનના થાળ ધર્યા તો કોઈએ સોનારૂપાના થાળ ! ઋષભદેવ કોઈની ભિક્ષા સ્વીકારતા નથી. એ તો સતત ધર્મધ્યાનમાં રત છે. આમ ને આમ એક આખો મહિનો વીતી જાય છે, પણ ભિક્ષાનો યોગ થતો નથી. શ્રી ઋષભદેવે પોતાની ધ્યાનસાધના એમ ને એમ ચાલુ રાખી. મેરુ ચળે પણ તેમનો નિશ્ચય ચળે તેવો નહોતો. તેઓ તો માત્ર મૌન સેવે છે અને આગળ ને આગળ વધ્યું જાય છે. કોઈ હાથી ધરે છે તો કોઈ ઘોડા ભેટ ધરે છે. કોઈ યુવાવસ્થામાં આવેલી કન્યા અર્પણ કરે છે, પણ પ્રભુ જળકમળવત્ સહુથી દૂર જ રહ્યા. તેઓ તો અપરિગ્રહી હતા. આ પરિગ્રહનો તો તેમણે ત્યાગ કર્યો હતો. આમ ને આમ બાર માસ વીતી ગયા. જેમ દીપક તેલ વિના પ્રકાશતો નથી, વૃક્ષ જળ વિના જીવતું નથી તેમ દેહ આહાર વિના ટકી શકતો નથી. ભગવાનને આહારની જરૂર હતી, પણ સાથે સાથે એવી પ્રતિજ્ઞા હતી કે આહાર નિર્દોષ મળે તો જ સ્વીકારવો. ત્યાગીને યોગ્ય, નિરવદ્ય અને એષણીય ખોરાકની જરૂર હતી.