________________
ભગવાન આદિનાથ.
ઘણાં વર્ષો પહેલાંની વાત છે. આજના કરતાં એ જમાનો ઘણો જુદો હતો. એ સમયે કોઈ ગામ કે નગર નહોતાં. કોઈ સમાજ કે રાજ નહોતાં. બધા લોકો જંગલમાં વસતા અને ફળ ખાઈને નિરાંતે જીવન જીવતા.
આ સમયે છોકરો અને છોકરી એકસાથે જન્મતાં અને તેઓ યુગલિયા'ને નામે ઓળખાતાં. આ સાથે જન્મેલાં છોકરા અને છોકરી એકબીજાની સાથે જ દામ્પત્યજીવન ગાળતાં અને સાથે જ મૃત્યુ પામતાં. આથી કોઈનો કોઈને વિયોગ સહેવાનો વારો આવતો નહિ. લોકો સીધુંસાદું જીવન જીવતા. સજા કરવાની કોઈ જરૂર પડતી નહિ. માત્ર સહેજ ઠપકો આપતાં જ માણસ સુધરી જતો હતો.
લોકો સુખી હતા, પણ એમનામાં અજ્ઞાનતા અને અણસમજ મોટા પ્રમાણમાં હતાં. એક બાજુ ક્યાંય કંકાસ નહિ તો બીજી બાજુ એટલી જ જડતા હતી. પરંતુ ધીરે ધીરે સ્થિતિ બદલાવા લાગી. કલ્પવૃક્ષો પહેલાં જેટલું આપતાં હતાં એટલું આપતાં બંધ થયાં. ઝાડ પહેલાં ફળથી લચી પડતાં હતાં ત્યાં મર્યાદિત ફળ આવવા લાગ્યાં.