________________
આ પ્રકાશકીય)
“તત્ત્વાર્થ સ્વાધ્યાય ગ્રુપ” ના વિધાર્થીઓનો અંતરનાદ ન્યુ જર્સ સેન્ટરના Essex Fells દેરાસરમાં લગભગ ચાર વર્ષથી શ્રી તત્ત્વાર્થાધિગમ સૂત્ર ઉપર નિયમિત રીતે ક્લાસ ચલાવવા માટે અમે શ્રી ચંદ્રકાન્તભાઈનો ખૂબ જ આભાર માનીએ છીએ. તમે અમને દર અઠવાડિયે નિયમિત રીતે Handouts, Review, Questions, Tests, Exams, U-Tube video વગેરે દ્વારા અભ્યાસ કરવાની ફરજ પાડી જેથી અમારા જ્ઞાનમાં વધારો થતો ગયો છે અને ઊંડી સમજ પડી છે. પરીક્ષાની તૈયારી માટે કેટલીકવાર અમારી ઉંઘ પણ ઉડી છે. આ મહત્વનો ગ્રંથ જૈન ધર્મના જિજ્ઞાસુઓ માટે અભ્યાસ કરવા લાયક છે એમ અમે ચોક્કસ કહી શકીએ છીએ.
શ્રી ન્યુ જર્સી સંઘના પુણ્યોદયના પ્રભાવે અમને શ્રી ચંદ્રકાન્તભાઈ જેવા તેજસ્વી જૈન ધર્મ પ્રભાવક શિક્ષક મળ્યા. દર ગુરુવારે ૯૦ મિનિટના સ્વાધ્યાયમાં સૂત્રોના અર્થ, રહસ્ય અને રોજીંદા જીવનમાં કેવી રીતે ઉપયોગ કરી શકાય તે સરળ અને સીધી-સાદી ભાષામાં સમજાવવાનો પ્રયત્નો કર્યા હતા. ચંદ્રકાન્તભાઈએ એક-એક સૂત્રને સમજાવવા અઢળક મહેનત કરી છે.
તેમના ધર્મપત્ની પ્રવિણાબેને તેમને સંપૂર્ણ સહકાર આપીને વિદ્યાર્થીઓને સરળ ભાષામાં સમજવા માટે graphics, charts, ચિત્રો, colour combination સાથે ગુંથી flip-chart માં મૂક્યા હતાં. કઠીન સૂત્રોને શ્રાવકની શૈલીમાં સમજાવવા માટે શ્રી ચંદ્રકાન્તભાઈએ ઉદાહરણ આપીને, યુક્તિઓ દ્વારા અમારા મગજમાં ઉતારવાનો સુંદર અને સફળ પ્રયાસ કર્યો છે. સ્વાધ્યાય ઉપરાંત પરીક્ષાના માધ્યમથી સૂત્રોના ભાવાર્થને સમજવાનું અને યાદ રાખવાનું સરળ બની ગયું હતું. છેલ્લા ચાર વર્ષથી “શ્રી તત્ત્વાર્થાધિગમ સૂત્ર” ઉપરની ચાલી રહેલી સ્વાધ્યાય માળામાં અમે નિયમિત હાજર રહ્યા છીએ. તમારા તરફથી લેવાતા નિયમિત ક્લાસ તો એવા હતા કે એમ લાગતું કે ક્યારે ગુરુવાર આવે અને ક્લાસમાં જઈએ. દરેક અધ્યાયનાં સૂત્રો, તેમાં રહેલા રહસ્યો, તમારી સમજાવવાની સરળ પદ્ધતિ, ક્લાસની નોટ્સ, લેવાતી પરીક્ષા અમને સૌને વાંચવા માટે એટલી પ્રેરણા આપતી કે ફરીફરીને વાંચવાથી નવો જ દૃષ્ટિકોણ અને સમજણ આવતી હતી. પ્રવિણાબેને પણ આખું વહીવટીતંત્ર (Administration) સંભાળીને સુંદર રીતે જવાબદારી નીભાવી છે.