________________ 12 વિનય નથી કરી શકતા, સમર્પિતભાવ આવતો નથી, ક્યારેક પકડાયેલો દુરાગ્રહ પણ છૂટતો નથી. આ બધા અનિષ્ટો નવકારના પ્રભાવથી દૂર થાય છે. નમસ્કારના પ્રભાવથી નિર્મળ-શુદ્ધ બનેલું મન સારા ભાવોમાં રમે છે, અધ્યવસાયો શુદ્ધ થાય છે. અધ્યવસાયો (મનના ભાવો)ના કારણે જ શુભાશુભ કર્મનો બંધ થાય છે. એટલે નવકારના પ્રભાવથી પુણ્યાનુબંધી પુણ્ય શ્રેષ્ઠ બંધાય છે. શાસ્ત્રકારો તો કહે છે, “વિધિપૂર્વક એક લાખ નવકારના જાપથી તીર્થંકરનામકર્મનો બંધ થાય છે, જીવ તીર્થકર બને છે.” ગણધરાદિ પદો પણ નવકારથી પ્રાપ્ત થાય છે. અનેક પ્રકારની બાહા-અત્યંતર ઋદ્ધિઓ નવકારના પ્રભાવથી મળે છે. દેવેન્દ્રપણું, ચક્રવર્તીપણું, મોટા સામ્રાજયો તથા સંસારના પણ શ્રેષ્ઠ સુખો નવકારના પ્રભાવથી મળે છે. વિશેષતા એ છે કે નવકારના પ્રભાવથી મળતા સુખોમાં જીવ આસક્ત થતો નથી અને સહેલાઈથી સુખો છોડી ત્યાગના માર્ગે આગળ વધી શકે છે. જેમ શાલિભદ્ર વિપુલ સંપત્તિને ક્ષણવારમાં ત્યાગી અણગાર બન્યા. નવકારથી એ પણ વિશેષ લાભ છે કે એના જાપથી ઉત્પન્ન થયેલ મોજાઓ આજુબાજુ પણ અસર કરે છે, આજુબાજુનું વાતાવરણ પણ શુદ્ધ થાય છે અને તેથી આજુબાજુમાં રહેલા જીવોની પણ શુદ્ધિ થાય છે. પરમાત્માના અતિશયમાં આપણે જાણીએ છીએ કે ચારે બાજુ 25-25 યોજન અને ઉપર-નીચે પણ 25-25 યોજનમાં ક્યાંય મારી, મરકી, સ્વચક્ર (બળવો), પરચક્ર (યુદ્ધ) અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ, ઉંદરાદિના ઉપદ્રવો થતા નથી. નવકારમાં પ્રથમ પદમાં જ અરિહંતોનો વાસ છે. તેથી નવકારની સાધનાના પણ આ બધા ફળો સંભવે છે. જરૂર છે માત્ર નિર્મળચિત્તપૂર્વકની, નિષ્ઠાપૂર્વકની, શ્રદ્ધાપૂર્વકની, પ્રણિધાનપૂર્વકની આરાધના-સાધના. (1) નવકારમંત્રનો જાપ એ નવકારની એક પ્રકારની આરાધના છે. આમાં હૃદયની નિર્મળના એટલે હૃદયમાં કોઈ પાપો શલ્યરૂપે ન રહે. નવકારના સાધકે આલોચના-પ્રાયશ્ચિત્ત દ્વારા જીવનમાં થઈ ગયેલા પાપોની શુદ્ધિ કરી લેવી જોઈએ જેથી નિર્મળ ચિત્તે આરાધના થાય. (2) નિષ્ઠાપૂર્વકની એટલે નવકારની સાધનામાં કોઈ પણ પ્રકારના ભૌતિક ફળની અપેક્ષા નહીં રાખવાની. ક્યારેક સાધનામાં કોઈ વિઘ્ન આવતા હોય તો તેના નિરાકરણની સામાન્ય અપેક્ષા રખાય. બાકી તો નવકારની સાધનાના ફળરૂપે સમસ્ત વિશ્વના હિતની ભાવના કરવી, એટલે બને ત્યાં સુધી જાપ કે ધ્યાનના પ્રારંભમાં 'शिवमस्तु सर्वजगतः, परहितनिरता भवन्तु भूतगणाः / दोषाः प्रयान्तु नाशं, सर्वत्र सुखी भवतु लोकः // '