________________
પ્રસ્તાવના
મુંબઈ યુનિવર્સિટીમાં તત્ત્વચિંતન ઉ૫૨ પ્રાધ્યાપકોએ જે પ્રવચન આપેલાં એની મેં નોંધ કરી હતી. ખૂબ સંક્ષિપ્તમાં પશ્ચિમની અને ભારતીય ફિલોસોફી (તત્ત્વચિંતન)ની માહિતી આપવાની મારી કોશીશ છે. પશ્ચિમના તત્ત્વચિંતકોએ વિવેક અને વિનયના આધારે સત્ય, તર્કશકિતથી જાણવાની પ્રક્રિયા બતાવી છે. કિશ્ચિયન તથા ઈસ્લામ ધર્મનું તત્વચિતંન બાઈબલ તથા કુરાનમાં છે, જે ભારતિય દર્શન કરતાં જુદું છે. ભારતિય દર્શનમાં તર્ક, અનેકાન્તવાદ તથા શ્રદ્ધાનો પાયો છે. જીવ અને અજીવનો ભેદ ભારતીય દર્શનમાં છે. જૈન દર્શનનું તત્ત્વચિંતન આત્માના શુદ્ધ સ્વરૂપને જાણવાની પ્રક્રિયામાં, તર્ક તથા શ્રદ્ધાના દ્રઢ વિચાર દ્વા૨ા વિનય અને વિવેકથી સત્ન પ્રાપ્ત કરવાનો પુરુષાર્થ છે. જૈન ધર્મના સિદ્ધાંત તથા ઉપદેશને આચરણમાં મુકવાથી આત્માનું યથાર્થ જ્ઞાન અને તેની પ્રતીતિ એટલે સમ્યક્દર્શન તથા સમ્યજ્ઞાનની પ્રાપ્તિ થઈ શકે છે. અંગ્રેજીમાં આપેલી પાશ્ચાત્ તથા ભારતીય ફિલોસોફીની વિગતને ગુજરાતીમાં મારી સમજણ પ્રમાણે લખી છે. આશા છે કે વાંચનારને મારો પ્રયાસ, વિષયની જાણકારી આપશે.
સદ્ગુરૂ કૃપાળુદેવ શ્રીમદ્ રાજચંદ્રે મહાત્મા ગાંધીજીના જીવનમાં અધ્યાત્મ માટે ઉંડી છાપ પાડી હતી અને એમનાં વચનામૃત તથા એમણે રચેલ ‘આત્મસિદ્ધિ શાસ્ત્ર'નો મેં અભ્યાસ કર્યો છે. આત્મસિદ્ધિની પહેલી કડીમાં શ્રીમદ્ રાજચંદ્ર લખે છે કે આત્માના શુદ્ધ સ્વરૂપને જાણવાથી સર્વ દુઃખ દુર થાય છે. અમુક સમુદાયનુ માનવુ છે કે ગુજરાતીમા લખાયેલી આત્મસિદ્ધિ સમજવી કઠણ છે. તેથી મેં ટૂંકામાં તેનો ભાવાર્થ આપવાની કોશીષ કરી છે. આત્મસિદ્ધિ સમ્યક્દર્શનની યોગ્યતા પ્રાપ્ત કરાવી શકે, એવી મારી દ્રઢ માન્યતા છે. શ્રીમદ્ રાજચંદ્રે લખેલી આત્મસિદ્ધિનું મેં અંગ્રેજીમાં અનુવાદન સરળ ભાષામાં કર્યું છે. એનાથી અંગ્રેજી વાંચનારને આધ્યાત્મિક લાભ થશે એવી આશા છે.
ખૂબજ ટૂંકામાં આપેલી વિગતને ધ્યાનથી વાંચવાની ભલામણ છે. જેથી વાચકના જીવનમાં આધ્યાત્મિક વિચારોની ક્રાંતિ આવે એવો મારો નમ્ર પ્રયાસ છે. મારા લખાણથી વાંચનારને કાંઈપણ દુઃખ થાય અથવા તો શાસ્ત્રની કાંઈ પણ વિરાધના થઈ હોય તો, સર્વને મિચ્છામી દુક્કડમ કહી ખમાવું છું.
સુરેશ શાહ
તા. ૧૭ એપ્રિલ, ૨૦૧૯
મુંબઈ