________________
શ્રી અંબિકાદેવી વર્તમાન ચોવીશીના બાવીસમા તીર્થંકર ભગવંત શ્રી નેમિનાથ પ્રભુની અધિષ્ઠાયિકા, યક્ષિણી અંબિકા, કુષ્માણ્ડિની અથવા આશ્રાદેવી તરીકે ઓળખાય છે. તેના હાથમાં આમ્રફળ હોવાના કારણે તે આગ્રા તરીકે ઓળખાય છે. શ્રી અંબિકાદેવીનો દેખાવ હિંદુ દુર્ગાદેવીને મળતો આવે છે. શાસનદેવી તરીકે અને એક સ્વતંત્ર દેવી તરીકે પણ તેનું મહત્વ જૈન ધર્મના બંને પંથો શ્વેતાંબર અને દિગંબર પરંપરાએ સ્વીકારેલું છે. અંબિકાનું વાહન સિંહ છે. તેના ચાર હાથ પૈકી જમણા હાથમાં માતુલિંગ અને પાશ ધારણ કરેલ છે, જ્યારે ડાબા હાથમાં પુત્ર અને અંકુશ ધારણ કરેલ છે.
માતા અંબિકાની સ્વતંત્ર તેમજ જિનેશ્વર સાથેની સંયુક્ત પ્રતિમાજીઓ મોટી સંખ્યામાં પ્રાપ્ત થઈ છે. લગભગ છઠ્ઠી સદીથી તેનું આલેખન જોવા મળે છે. વડોદરાથી નજીક અકોટાથી મળેલી અંબિકા દેવીની ધાતુ પ્રતિમા છઠ્ઠી સદીની છે. દ્વિભુજા અંબિકા દેવી સિંહ પર આરૂઢ થયેલ છે. તેના બે હાથમાં આમૂલુમ્બિ અને બાળક ધારણ કરેલ છે.
ઓસિયાના મહાવીર મંદિર, કુંભારીયાના શાંતિનાથ મંદિર, ગ્યારસપુરના માલાદેવી મંદિરમાં, ખજુરાહોમાં પાર્શ્વનાથ મંદિરમાં દ્વિભુજા અંબિકાના સ્વરૂપો કંડારેલા છે. પૂર્વ ભારતમાંથી મળતી અંબિકાની મૂર્તિને સામાન્ય રીતે દ્વિભુજા હોય છે. મથુરાના પુરાતત્વ સંગ્રહાલયમાં સુરક્ષિત અંબિકાની દ્વિભુજા મૂર્તિ તેના પરિકરને કારણે ઉલ્લેખનીય છે. પરિકરમાં ગણેશ, કુબેર, બલરામ અને કૃષ્ણનું આલેખન છે.
ગુજરાતમાં ૧૧મી સદીમાં અંબિકાની ચતુર્ભુજ પ્રતિમા ઘડવાનો પ્રારંભ થયો. આવી પ્રતિમાઓ કુંભારિયા, આબુ-દેલવાડાના વિમલવસતિ અને તારંગામાંથી પ્રાપ્ત થાય છે. મધ્યપ્રદેશના દેવગઢ માંથી અંબિકાની લગભગ ૫૦ પ્રતિમાઓ ઉપલબ્ધ થઈ છે. જેમાંથી માત્ર ત્રણ જ પ્રતિમાઓને ચતુર્ભુજા છે અન્યને દ્વિભુજા છે સાહુ જૈન સંગ્રહાલયમાં અંબિકાની બે પ્રતિમાઓ સુરક્ષિત છે. લખનૌ ના રાજ્ય સંગ્રહાલયમાં સુરક્ષિત અંબિકાની પ્રતિમા તેના રૌદ્ર સ્વરૂપને પ્રગટ કરે છે. અંબિકાના આ રૌદ્ર આલેખન પાછળ તાંત્રિક અસર હોવાનું જણાય છે.
શ્રી અંબિકાદેવી
૨૮૬