________________
તેમાં મૂળનાયક શ્રી સીમંધર સ્વામી છે. તેની ડાબી બાજુએ શ્રી સુખસાગર પાર્શ્વનાથ પ્રભુની પંચધાતુની દર્શનીય પ્રતિમા બિરાજમાન છે. પ્રતિમાજીના દર્શન કરતાં હૈયામાં સુખનો સાગર છલકી ઊઠે તેવી દર્શનીય પ્રતિમાજી છે. ખંભાતમાં શ્રી સુખસાગર પાર્શ્વનાથનું પ્રાચીન જિનાલય છે. ૧૭માં સૈકામાં સ્તંભનતીર્થમાં આ પાર્શ્વનાથજીની પ્રતિષ્ઠા આચાર્ય ભગવંત શ્રી વિજયસેનસૂરિશ્વરજી મહારાજના હસ્તે સંપન્ન થઈ હતી. ખંભાતમાં શ્વેત વર્ણના શ્રી સુખસાગર પાર્શ્વનાથ બિરાજમાન છે. શ્રી સુખસાગર પાર્શ્વનાથની પ્રશસ્તિ આચાર્ય ભગવંતો, મુનિ ભગવંતોએ પોતાની પ્રાચીન રચનાઓમાં કરી છે.
શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિ વિહારમાં બિરાજમાન શ્રી સુખસાગર પાર્શ્વનાથ
પરમ તારક શ્રી શંખેશ્વર મહાતીર્થમાં શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુનું મુખ્ય જિનાલય આવેલું છે. શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમાજી યુગો જૂની છે. શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુનો ઈતિહાસ અત્યંત ભવ્ય છે. આ પ્રતિમાજી દેવીદેવતાઓએ પૂજી છે.
શંખેશ્વરમાં બીજું મહાપ્રભાવક શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિ વિહાર મહાપ્રાસાદ તીર્થ આવેલું છે. વિક્રમ સંવત ૨૦૪૫માં મહાસુદ પાંચમના દિવસે અનેરા ધર્મોલ્લાસ સાથે અંજનશલાકા અને પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાયો હતો. તપાગચ્છ સૂર્ય, પ્રશાંતમૂર્તિ, ગચ્છાધિપતિ આચાર્ય ભગવંત પૂ. શ્રીમદ્ વિજય પ્રેમસૂરિશ્વરજી મહારાજા અને સ્વ.આ.શ્રીમદ્ વિજય સુબોધસૂરિજી મહારાજાની પાવન પ્રેરણાથી આ તીર્થ સાકાર પામેલ છે.
આ સંકુલમાં યાત્રિકોને ઉતરવા માટે અદ્યતન સુવિધાઓથી યુક્ત ધર્મશાળાઓ, સાત્વિક અને શુધ્ધ ભોજન માટેની ભોજનશાળા, સાધુ-સાધ્વીજી ભગવંતોના ઉપાશ્રયો, આરાધના ભવન, જ્ઞાનમંદિર વગેરે આવેલા છે.
શ્રી સુખસાગરજી પાર્શ્વનાથ
૧૧૧