________________
* ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય કે આકાશાસ્તિકાયનો આત્મા સાથેનો સંબંધ બાધક નથી, પરંતુ ઉપકારક છે. સિદ્ધોને પણ આકાશાદિનો સંબંધ છે, પણ પુદ્ગલનો સંબંધ વિચિત્ર છે. તે સાધક પણ બને, બાધક પણ બને. માટે જ પુદ્ગલોના સંબંધોથી ચેતવાનું છે.
* બીજા જીવો સાથે જેવું વર્તન કરશો તેવું જ તમે પામશો. સારું વર્તન કરશો તો તમારું જ સારું થશે. બીજાનું સારું થાય કે ન થાય, પણ તમારું સારું થવાનું જ. એ જ રીતે બીજાનું સારું ભૂંડું કરવા પ્રયત્ન કરશો તો બીજાનુ ભૂંડું થાય કે ન થાય, પણ તમારું તો ભૂંડું થવાનું જ. ધવલ શેઠે શ્રીપાળને મારવા પ્રયત્ન કર્યો, શ્રીપાળનું કાંઈ ન બગડ્યું, પણ ધવલને સાતમી નરકે જવું પડ્યું એ જ રીતે બીજાનું સારું કરવાના પ્રયત્નમાં કદાચ સારું ન પણ થાય તોય આપણું તો સારું થાય જ. ‘સવિ જીવ કરું શાસન૨સી'ની ભાવનાવાળા તીર્થંકરો સર્વ જીવોને ક્યાં તારી શક્યા છે ? છતાં એમનું તો ભલું થયું જ છે.
* જગતના સર્વજીવોના કલ્યાણકર્તા ભગવાન છે. ભગવાન ન હોય તો આપણું થાત શું ? ભગવાન જ જગતના ચિંતામણિ છે, કલ્પવૃક્ષ છે, વૈદ છે, નાથ છે, સર્વસ્વ છે. એમ સતત હૃદયને લાગવું જોઈએ.
* આપણી અંદર રહેલી ચેતના વફાદાર છે. એ જીવરૂપી સ્વામીને છોડીને ક્યારેય ક્યાંય જતી નથી. વફાદારી છોડતી નથી. આપણે ગુરુને છોડી દઈએ, પણ ચેતના કદી આપણને છોડતી નથી.
જ્ઞાતૃત્વ, કર્તૃત્વ, ભોકતૃત્વ, ગ્રાહકત્વ, રક્ષકત્વ, આદિ શક્તિઓ જીવમાં પડી છે. એક જ્ઞાતૃત્વ શક્તિ અવરાયેલી છે. એ જો અનાવૃત બને તો બાકીની બધી જ શક્તિઓ આપણા વિકાસમાં સહાયક બને.
જીવ સિવાય બીજા કોઈનામાં આ શક્તિ નથી. બીજા પદાર્થો તો સ્વયંને પણ નથી જાણતા, તો બીજાને શી રીતે જાણવાના ? કે બીજાનું શી રીતે ભલું કરવાના ?
* દ્રવ્યની અપેક્ષાએ જીવાસ્તિકાય અનંત જીવોનો પિંડ છે.
કહ્યું, કલાપૂર્ણસૂરિએ ક ૨૯