________________
સમાધિ-મૃત્યુને સાધવું રાધાવેધ જેટલું કઠિન છે. ખરેખર તો રાધાવેધથી પણ કઠિન છે.
* ક્ષમા ગુણ તો આવ્યો, પણ સાથે મૂદુતા ન આવી તો ક્ષમાનું પણ અભિમાન આવશે : હું કેવો ક્ષમાશીલ ?
આ અહંકાર આઠ ફણાવાળો સાપ છે. જાતિ, લાભ આદિ આઠ મદસ્થાનો એ આઠ ફણા છે.
મૃદુતાને સહજ બનાવવા ઋજુતા જોઈશે. આમ દસેય યતિધર્મના ક્રમમાં રહસ્ય છે.
બધા ગુણો જોઈતા હોય તો એક ભગવાનને પકડી લો. ભગવાન આવશે તો કોઈ દોષ ઊભો નહિ રહે. બધા જ ગુણો આવી મળશે. પ્રભુ આપણા બન્યા એટલે પ્રભુના ગુણો આપણા જ બન્યા.
સિંહ જ્યાં હોય ત્યાં બીજા પ્રાણી આવી શકે ? પ્રભુ જે હૃદયમાં હોય ત્યાં દોષો આવી શકે ?
તમે માત્ર પ્રભુ-ભક્ત બની જુઓ.
આ કાળમાં આ જ એક માત્ર આધાર છે. બાકી કોઈ તેવા તપ, જપ કે બીજી કોઈ અનુષ્ઠાનો આપણે કરી શકીએ તેમ નથી. કમ સે કમ મારા માટે તો અત્યારે પ્રભુ જ એક માત્ર આધાર છે.
સાચી રીતે પ્રભુ-ભક્તિ થાય તો દોષ રહે જ નહિ. “પ્રભુ-ઉપકાર ગુણે ભર્યા,
મન અવગુણ એક ન માય રે.” બધા જ દોષોને દફનાવનાર એક માત્ર પ્રભુ છે – એમ મહોયશોવિજયજી જેવા અનુભવીઓને સમજાયું છે. આપણને આ ક્યારે સમજાશે ? જ્યારે સમજાશે ત્યારે જ સાધના શરૂ થશે.
* પ્રભુની સ્તવનાથી પ્રસન્નતા મળે જ મળે. આ સ્પષ્ટ વાત છે. 'अभ्यर्चनादर्हतां मनःप्रसादस्ततः समाधिश्च । ततोऽपि निःश्रेयसमतो हि तत्पूजनं न्याय्यम् ।'
- તત્ત્વાર્થ કારિકા, ઉમાસ્વામિજી. ૨૦૨ જ કહ્યું કલાપૂર્ણસૂરિએ