________________
નજર નાના બાળ ચાણક્ય ઉપર પડી. અને બાળકના મોંમા રહેલા લાંબા અને સુંદર દાંતને જોઇને એ જ્યોતિષીના મુખમાંથી નીકળી ગયું “વા ! અતિ આશ્ચર્યભૂત છે આ લક્ષણ !”
ચાણક્યના પિતાએ જ્યોતિષીનું તે વાક્ય સાંભળ્યું આથી તેમણે જોષી મહારાજને વિગતવાર વાત કરવા વિનંતી કરી.
ત્યારે જોષી મહારાજે કહ્યું “તમારા પુત્રના મુખમાં રહેલો આ લાંબો દાંત ઘણું સુંદર લક્ષણ છે. એના ઉપરથી હું તમને ચોક્કસ કહી શકું કે તમારો પુત્ર મોટો થઇને ઘણી વિશાળ પૃથ્વીનો માલિક બનશે. અર્થાત્ મહાન રાજા થશે.”
આ સાંભળીને ચાણક્યના પિતાના મુખમાંથી એક નિસાસો નીકળી ગયો. તેઓ બોલી ઊઠયાઃ “રાજેશ્વરી ! તે નરકેશ્વરી, રાજાને રાજ્યના યોગક્ષેમના કારણે ઘણાં પાપો કરવાં પડે. આથી રાજા તો મરીને પ્રાય: નરકમાં જ જાય. તો શું મારો દીકરો મરીને નરકે જશે ? ના...એ તો કેમ બનવા દેવાય ?'
અને તેઓ તરત ઊભા થયા. ક્યાંકથી એક કાનસ લઇ આવ્યા. અને પોતાના પુત્ર ચાણક્યના મુખમાં રહેલા તે લાંબા દાંતને ખૂબ ઘસી નાંખ્યો પછી તેઓ પેલા જોષીને કહેઃ “બોલો, જોષી મહારાજ ! હવે મારો પુત્ર રાજા થશે ?” - ત્યારે જોષીએ કહ્યું “ના...હવે તમારો પુત્ર રાજા તો નહિ થાય, પરંતુ કોઇ મહાન રાજવીનો રાજગુરુ જરુર થશે.”
અને..પુત્રના હિતની જ ઝંખના કરનારા તે પિતાના મુખ ઉપર, પુત્રના ભાવિ નરકનું નિવારણ થયાનો આનંદ તરવરી ઊઠ્યો.
પુત્રના આ લોકના સુખની જ નહિ, પરંતુ એના જન્મજન્માંતરનાં સુખદુઃખનો વિચાર કરવો...અને સાચા અર્થમાં તેની હિતચિંતા કરવી...આવી ઉમદા વિચારધારા શિષ્ટ જન સિવાય કોને સૂઝે ? સત્યનિષ્ઠાઃ શિષ્ટ જનોનો ઉત્તમ ગુણ :
નીતિ-નિયમ અને સત્યના આદર્શોને શિષ્ટજનો પોતાના જીવનમાં અવશ્ય સાચવતા. ચાહે સામે શત્રુ કેમ ન આવે...તો પણ તે પૂછે ત્યારે તેને શિષ્ટજનો સત્યનો જ માર્ગ બતાવતા. એથી ઊલટું પોતાનો જ સગો પુત્ર અધર્મના પંથે હોય તો તેને પણ ધર્મમાર્ગનો જ રાહ શિષ્ટજનો સમજાવતા.