________________
મમ્મણે રાજાને આવકાર આપ્યો.
પછી પોતાના ઘરની નીચે રાખેલા ગુપ્ત ભોંયરામાં રાજા, રાણી અને મંત્રી | સહુને તે લઇ ગયો...
ભોંયરાનું પ્રવેશદ્વાર ઊઘડતાં જ સહુની આંખો અંજાઇ ગઇ. ઝગમગ...ઝગમગ...ઝગારા મારતા તેજસ્વી નીલરત્નો અને મણિ-માણેકથી જડિત બે બળદોને જોઇને શ્રેણિક સ્તબ્ધ બની ગયા. - મમ્મણ કહેઃ “મહારાજ ! આ છે મારા બે બળદો ! બન્નેય ઉપર સાચાં રત્નો અને માણેક જડેલાં છે. હવે માત્ર એક બળદનું એક જ શીંગડું રત્નોથી જડવાનું બાકી છે...રાત્રિમાં નદીનાં પૂરમાં વહેતા ચંદનનાં લાકડાં ખેંચી લાવીને તેની રકમમાંથી રત્નો ખરીદવાની મારી યોજના છે. રાજન્ ! શું આપ મારા બળદનું અધૂરું શીંગડું પૂરું કરી આપશો ?”
શ્રેણિક તો અબજો રૂપિયાની સંપત્તિના સ્વામી છતાં દિલના અને ડિલના એ તવંગર-ભિખારીને વિસ્ફારિત-નજરે નીરખી જ રહ્યા...
શ્રેણિક બોલ્યા: “મમ્મણ...! મારા મગધદેશનું સંપૂર્ણ સામ્રાજ્ય તને આપી દઉં. મારા રાજભંડારનું અઢળક ધન તને સમર્પી દઉં...તોય હું તારા આ બળદનું અધૂરું શીંગડું પૂરું કરી શકું તેમ નથી. તું મને ક્ષમા કરજે...”
પાછા ફરતાં શ્રેણિકે, ચેલ્લણા સાથે આ આશ્ચર્યપ્રદ આદમી અંગે વાત કરતાં કહ્યું “મહારાણી ! પ્રભુની વાણી આજે પરમ સત્ય લાગે છે...માનવીનું મન તૃષ્ણાનો અજબ ખાડો છે...એને પૂરો કરવા માનવ જેમ મથે છે તેમ તેમ એ ખાડો વધુ ને વધુ ઊંડો ઊતરતો જાય છે...તૃષ્ણાના ખાડાને ધનના ઢેરથી નહિ પૂરી શકાય...તેને તો સંતોષરૂપી ધનથી જ પૂરવો ઘટે...”
અને....મમ્મણ મરીને સાતમી નરકમાં ચાલ્યો ગયો. અબજો રૂપિયાની સંપત્તિ બધી ભેગી થઇને પણ તેને નરકમાં જતો અટકાવી ના શકી...ઊલટું...એ સંપત્તિની કારમી મૂર્છાએ જ મમ્મણને નરકગતિનો મહેમાન બનાવ્યો..
અર્થ-પુરુષાર્થની પ્રવૃત્તિ પ્રત્યે જ્યારે અંધાપો પેદા થાય છે ત્યારે તે અર્થપુરુષાર્થ પુરુષાર્થ ન રહેતા કેવો “અનર્થસ્વરુપ” બની જાય છે તેનું વરવું ઉદાહરણ છે, મમ્મણ
૩૦૧