________________
[ ૩૩
અણગારનાં અજવાળા ] જ્ઞાનની કોટિમાં આવી ન શકે. જ્ઞાનનું અંતિમ ફળ મોક્ષની પ્રાપ્તિ છે. એવી દઢ માન્યતા ધરાવનાર પૂ. શ્રીની જ્ઞાનપિપાસા અજોડ હતી. તેઓની તીવ્ર ઈચ્છા મારવાડના જ્ઞાની સંતો પાસેથી જ્ઞાન મેળવવાની હતી. પૂ. દેવજીસ્વામી તથા સંઘની આજ્ઞા મુજબ તેઓએ મારવાડ વિહાર કર્યો અને પૂ. શેખરાખજી મ. સાહેબ તથા પૂ. ફકીરચંદજી મ. સાહેબ પાસેથી જ્ઞાનોપાર્જન કર્યું. પૂજ્યપાદ ફકીરચંદ મ. સાહેબ ઉપર તેમણે તેમની પ્રતિભા, જ્ઞાન, ચારિત્રનિષ્ઠા, કર્તવ્યપરાયણતા, સરળતા અને મતિ સૂક્ષ્મતાની અજોડ છાપ પાડી હતી. પૂ. ફકીરચંદજી મ. સાહેબ કહેતા, “માણેકચંદ, તારા જેવા સુપાત્ર જ્ઞાનપિપાસુ શિષ્યને પામી હું કૃતકૃત્ય થયો છું. તારી વૈયાવચ્ચ સેવા અને પ્રતિભા આશ્ચર્ય પમાડે તેવાં છે. તારા જેવા શિષ્યને પામી તારા ગુરુ તો સદ્ભાગ્યશીલ બન્યા જ પણ હું પણ મારા ભાગ્યનો પ્રશંસુ છું. વીતરાગ વાણીનાં રહસ્યો સ્યાદવાદ શૈલીથી તું બરાબર સમજી પચાવજે અને વિસ્તારજે. મારા નાના શિષ્યોને તું ભણાવજે અને મારી હયાતી સુધી મારી પાસે જ રહી મારા હૃદયને સંપૂર્ણ સંતોષ આપજે.”
જ્ઞાનદાતા ગુરુની આ મંગલભાવના અપૂર્ણ રહી જાય છે, સૌરાષ્ટ્રમાં પૂ. દેવજીસ્વામીનું આરોગ્ય સારું ન હોવાથી પૂ. માણેકચંદ મ. સાહેબને સૌરાષ્ટ્ર તરફ વિહાર કરવો પડે છે. જ્ઞાનદાતા ગુરુએ ઉત્તમ આશીર્વાદ આપ્યા. જ્ઞાનના સાધનરૂપ હસ્તલિખિત ગ્રંથો અને આગમોની અમૂલ્ય ભેટ આપી. ઉગ્રવિહાર કરીને પૂ. માણેકચંદજી મ.સા. સૌરાષ્ટ્રમાં પૂ. દેવજીસ્વામીનાં ચરણોમાં સાતાપૂર્વક આવી પહોંચ્યા અને તેઓની ઉત્તમ પ્રકારની સેવાનો પ્રારંભ થયો. વૈયાવચ્ચ સેવાની તેમની ભાવના અત્યંત ઉચ્ચ પ્રકારની હતી. સં. ૧૯૪૭નું ચાતુર્માસ ઉત્તમ રીતે ગુરુની નિશ્રામાં પૂર્ણ થયું પરંતુ સં. ૧૯૫૩નું ચાતુર્માસ ચિંતાજનક બની ગયું. ગુરુદેવની તબિયત ઉત્તરોત્તર વધુ ખરાબ થવા લાગી. પૂજ્ય તપસ્વીજીએ સેવાની આ અંતિમ તક છે તેમ સમજી સેવા અને શાસ્ત્રના સ્વાધ્યાયનો ભાર પૂરા ઉમંગથી ઉપાડી રહ્યા હતા. ગુરુદેવની પાસે ચોવીસે કલાક તેઓ ખડા પગે રહેતા હતા અને ઊભા ઊભા જ શાસ્ત્રનો સતત સ્વાધ્યાય કરી, અધ્યાત્મભાવ ઉદીપી કરતા હતા. એક પળનો આરામ પણ હરામ હતો. ગુરુદેવે આજસુધી વરસાવેલી કૃપા સુધાનો બદલોવાળી દેવા પૂરી શક્તિથી મચી પડ્યા હતા.