________________
૨૦૨ ]
[ અણગારનાં અજવાળા પૂ.શ્રી ધીરજબાઈ મ.સ.ના અતિ મધુર અને રોચક શૈલીમાં જંબુકુમારનું જીવનચારિત્ર, તેમનો સુધર્મા સ્વામી સાથેનો સમાગમ અને સંવાદ, જંબુકુમારનું આઠ આઠ પત્નીઓ સાથેનું લગ્ન, ઐશ્વર્ય અને વિલાસમય જીવન છતાં સુધર્મા સ્વામીના સમાગમ બાદ તેમને સોહામણો સંસાર બિહામણો લાગવા માંડ્યો. ફૂલોની શૈયા સમા સંસારની ભીતરમાં હજારો કંટકો પથરાયેલા જોયા. છેવટે સંયમનાં શ્રેષ્ઠતમ સુખોની વાતો સાંભળતાં સાંભળતાં રમણભાઈના અંતરમાં વૈરાગ્યદીપકની જ્યોત જગવા માંડી. અંતરમાં મનોમંથન શરૂ થયું. સુધર્મા સ્વામીના માત્ર એક જ પ્રવચને જંબુકુમારના આત્માને જગાડ્યો. તેમ પૂશ્રી ધીરજબાઈ મ.સ.નું ઉપર્યુક્ત પ્રવચન રમણભાઈના આત્માને જગાડવા માટે પૂરતું બન્યું.
ચિંતા અને ચિંતનવાળી વ્યક્તિઓને રાત્રે ગમે તેવી સુખસગવડો વચ્ચે પણ ઊંઘ નથી આવતી. તેમ રમણભાઈને પણ બીજી બાજુ ભગિની સાધ્વીની સંયમની યાદ આવતા નિદ્રા વેરણ થઈ. પણ જીવનના અભ્યદયનો સોનેરી સંદેશો લઈને આવતું, સારાયે જીવનને પ્રકાશપુંજથી ભરી દેતું પ્રભાત ઊગ્યું અને રમણભાઈ ગુરુણીમૈયાનાં દર્શન-વંદન કરી ભગિની સાધ્વી પાસે પહોંચી ગયા. એ કેવી પવિત્રપાવની શુભ ઘડી, શુભ પળ કે જેણે રમણભાઈનું સમગ્ર જીવન પરિવર્તન કરી સંયમપંથના મોડ ઉપર લાવીને મુકી દીધું. જંબુકુમારના પ્રવચનની વાત નીકળતાં પૂ.શ્રી પ્રજ્ઞાબાઈ મ.સ. બોલી ગયા : “તમારે બનવું છે જંબુસ્વામી? તો સંસાર છોડી સંયમ સ્વીકારી લો.” ચકોરને ટકોર પૂરતી હતી. જેનો આતમ જાગે તે સંસારથી ભાગે છે અને સાધનામાં લાગે છે. ધર્મની કોઈ સમજ ધરાવતા ન હોવા છતાં પુણ્ય પ્રકર્ષે રમણભાઈ ધર્મભાવમાં રમણતા કરવા લાગ્યા. સંસારના પિંજરમાંથી તેમનો આત્મા ઊર્ધ્વગામી બનવા અધીરો થવા લાગ્યો. હવે હંસલો સંસાર સાગરને તીરેથી છીપ-શૃંખલાનો ચારો મૂકી માનસરોવરનાં મોતીનો ચારો કરવા થનગનવા લાગ્યો.
“તત્ત્વજ્ઞાન તલાવડી, ચિંતક માનસાંસ;
પ્રશસ્ત ભાવ મોતી ચરે, વીતરાગતાનો અંશ.” આત્મારૂપી હંસ તત્ત્વજ્ઞાન તલાવડીમાં ઊતરે અને સ્વભાવરૂપી મોતીનો ચારો ચરે ત્યારે તેનામાંથી આવરણ હટે અને વીતરાગતાનો અંશ
પ્રગટે.