________________
૧૦૮ ]
[ અણગારનાં અજવાળા
:
આસન પર બેસી ‘અર્જુન્, અર્જુન, અર્હ' એમ ત્રણ વાર મંત્રોચ્ચાર કરી તેઓ બોલ્યા : લો ભાઈ, અબ હમ ચલતે હૈં, સબકો ખમાતે હૈં.' આટલું વાક્ય બોલી તેમણે આંખો મીંચી દીધી. થોડીક ક્ષણોમાં તેમના ભવ્યાત્માએ દેહ છોડી દીધો. એમના કાળધર્મના સમાચાર સમગ્ર ભારતમાં સેંકડો તાર દ્વારા પ્રસરી ગયા.
સાઠ વર્ષના આયુષ્યકાળમાં આત્મારામજી મહારાજે અનેક ભગીરથ કાર્યો કર્યાં. લોકોમાં તેમણે અદ્ભુત જાગૃતિ આણી. શિક્ષણ અને સંસ્કારના ક્ષેત્રે પણ અનેક સમાજોપયોગી કાર્યો તેમણે કર્યાં. પોતે જ્યાં જ્યાં વિચર્યા ત્યાં ત્યાં કેટલીયે વ્યક્તિઓ, કુટુંબો, સંસ્થાઓ, સંઘો વગેરેના વ્યક્તિગત કે સામૂહિક પ્રશ્નોનાં નિરાકરણ કરાવી આપ્યાં. અનેક શુભ કાર્યો માટે લોકોને તેમણે પ્રેરણા આપી. પરિણામે તેમની હયાતી દરમિયાન અને એમના કાળધર્મ પછી પંજાબ, રાજસ્થાન, ગુજરાત અને અન્યત્ર એમના નામથી અનેક સંસ્થાઓ સ્થાપાઈ. ‘આત્મારામજી’ અને ‘વિજયઆનંદસૂરિ' એ બંને નામોનો સમન્વય કરી આત્માનંદ'ના નામથી શાળાઓ, કોલેજો, પાઠશાળાઓ, પુસ્તકાલયો, દવાખાનાઓ, ધર્મશાળાઓ વગેરેની સ્થાપના થઈ. પંજાબમાં તો જ્યાં જઈએ ત્યાં આત્માનંદનું નામ ગુંજતું હોય. એમનાં નામ અને જીવનકાર્યને બિરદાવતાં અનેક પદો, ભજનો કવિઓએ લખ્યાં છે, જે આજે પણ પંજાબમાં ઊલટભેર ગવાય છે. જૈન સમાજ ઉપર, વિશેષતઃ પંજાબના લોકો ઉપર આત્મારામજી મહારાજનો ઉપકાર ઘણો મોટો રહ્યો છે.
છેલ્લા બે સૈકામાં થયેલા બહુશ્રુત પ્રભાવક આચાર્યોમાં આત્મારામજી મહારાજનું સ્થાન મુખ્ય છે. એમને અંજલિ આપતાં પંડિત સુખલાલજીએ લખ્યું છે, “આત્મારામજી પરમ બુદ્ધિશાળી હતા. શક્તિસંપન્ન હતા અને તત્ત્વપરીક્ષક પણ હતા. પરંતુ એ બધા કરતાં વિશેષ તો એ છે કે તેઓ ક્રાંતિકાર પણ હતા. એમણે સંપ્રદાયબદ્ધતાની કાંચળી ફેંકી દેવાનું સાહસ કર્યું હતું તે બતાવે છે કે તે શાંત ક્રાંતિકાર હતા.”
આવા મહાન સંતને ભાવાંજલિ.........!
*