________________
ભરત ચક્રવર્તી અનેક ભવ પૂર્વે પ્રશંકર નગરીમાં અતિવૃદ્ધ નામે રાજા હતા ત્યારે તેમણે ઉત્કૃષ્ટ પુણ્ય સંપાદન કર્યું હતું.પણ કેટલાક ભવ બાદ વાઘનો ભવ મળ્યો હતો.ત્યારે નગરીના રાજા પ્રીતિવર્ધને એક વનમાં અશોકવૃક્ષ નીચે બિરાજમાન પહિતાસ્ત્રવ નામના એક માસના ઉપવાસી મુનિને નવધાભક્તિ સહિત આહારદાન આપ્યું ત્યારે પંચાશ્રય વૃષ્ટિ થઈ. મુનિરાજનો ઉપદેશ વાઘે પણ સાંભળ્યો.સાંભળતાંની સાથેજ વાઘને જાતિસ્મરણ જ્ઞાન થયું મુનિરાજે પ્રીતિવર્ધન રાજાને પૂછવાથી વાઘના ભવાંતર સંબંધી વિગત વાત કરી .આ સાંભળવાથી વૈરાગ્ય ઉત્પન્ન થતાં વાઘ આહારપાણીનો ત્યાગ કરીને સંથારો લીધો.અઢાર દિવસે સંથારો સીઝી જતાં તે વાઘનો જીવ ઈશાન કલ્પમાં જીવ થયો
એવો જ દાખલો મહાવીર સ્વામીનો છે.તેમણે પૂર્વભવમાં સિંહના અવતારમાં ચારણમુનિના ઉપદેશથી માંસભક્ષણત્યાગનો નિયમ લઈને પંચાણુવ્રત ગ્રહણ કર્યું હતું.તે માઘ વદ ચૌદશના દિવસે સન્યાસમરણથી સગતિ પામ્યા .(આ પ્રસંગની યાદમાં જિનરાત્રિ વ્રત કરાય છે.) આમ પુણ્યના પ્રભાવે જાતિસ્મરણજ્ઞાન અથવા તો ધર્મ બોધ પમાય તો તિર્યંચગતિમાં પણ તપ કરીને કર્મક્ષય કરે છે.
જે ક્રિયા વડે શરીરના રસ ,રુધિર વગેરે સાતે પ્રકારની ધાતુઓ અથવા તો કર્મસમુહ તાપ પામે –શોષાઈ જાય તેને તપ કહેવામાં આવે છે. નિકાચિત કર્મોના ક્ષય માટે તો તપ એ જ એક અમોઘ ઉપાય છે.વળી રાયથી માંડીને રંક ,આબાલવૃદ્ધ દરેકને માટે તપધર્મનું સેવન કરવાનું શક્ય છે.દાન શીલ તપ અને ભાવ – એ ધર્માચરણના ચાર સ્તંભ છે.શ્રીમંત ને સાધનસંપન્ન હોય તે જ દાનધર્મનું આચરણ કરી શકે વિશુદ્ધ શીલનું પાલન કરવા માટે દઢ મનોબળ જોઈએ.પંચમ આરામાં ભાવની તરલતા સહજ છે.એટલે તેની સ્થિરતા માટે પણ પ્રબળ પુરુષાર્થની જરૂર છે. આવી સ્થિરતા કેળવવામાં તપ મદદરૂપ બને છે. કોઈપણ નાનામાં નાનો , સામાન્ય માનવી પણ ઉદાત્ત ભાવનાથી શરીરશક્તિ પ્રમાણે નાના -મોટાં તપ કરીને તપધર્મનું સેવન કરી શકે છે. તેની સાથે સાથે જ અનેક જીવોને અભયદાન આપીને તે દાનધર્મનું પણ આચરણ કરે છે.
તપાધિરાજ વર્ષીતપ
(૪૦)