________________
ક્ષરણછે, ઝરણ છે, ને મરણધર્મી જ છે ને ! એ વાહન ધીરે ધીરે નિર્બળ પડવા લાગ્યું, જે દેહ પર તપેલા સુવર્ણ જેવી ક્રાંતિ હતી ત્યાં
શ્યામલતા પથરાણી. દેહ ભલે દમવા જેવો , કાયા ભલે તપાવવા જેવી વસ્તુ હતી, છતાં ફગાવી દેવા જેવી વસ્તુઓ નહોતી. આ દેહના સાધન દ્વારા જ સાધ્ય હાંસલ કરવાનું હતું. આત્મખોજ માટે દેહના અસ્તિત્વની અનિવાર્યતા હતી. કુહાડી ગમે તેટલી તીવ્ર હોય પણ હાથો ન હોય તો ? એ સમયે ખાધે પીધે સુખી પ્રજા પેટની આ બળતરાને ક્યાંથી સમજે ? દુનિયામાં કોઈનું પેટ ઉણું નથી, તો પૃથ્વીપાલને વળી કંઈ પેટ પૂરવાની ખોટ. હોય ?
દેહ ટકાવવા ભગવાનને આહારની જરૂર હતી, પરંતુ સાથે સાથે એ પ્રતિજ્ઞા હતી કે આહાર નિર્દોષ મળે તો જ સ્વીકારવો. દિવસો વિતતાં જાય છે, નિર્દોષ આહાર મળતો નથી.
વૈશાખ સુદ બીજની રાત્રિ હતી. શીતળ સમીર મંદ મંદ ગતિએ વહેતો હતો. મધ્યરાત્રિ બાદ હસ્તિનાપુર નગરમાં અગમ્ય સ્વપ્નસૃષ્ટિનું અવતરણ થયું. રાજા સોમપ્રભ, રાજપુત્ર શ્રેયાંસકુમાર અને નગરશેઠસુબુદ્ધિ. આ ત્રણે અગ્રગણ્ય વ્યક્તિઓ અલૌકિક સ્વપ્નસૃષ્ટિમાં સરી ગયાં.
રાજા સોમપ્રભ દાદા આદિનાથના પુત્ર બાહુબલીના પુત્ર થતાં હતાં. એમણે સ્વપ્નમાં એવી ઘટના નીહાળી કે, એક મહાપરાક્રમી બળવાન પુત્ર શ્રેયાંસકુમાર એની વહારે ધાય છે. આ સહાય મળતાં શત્રુઓનો પરાભવ કરી એ રાજા વિજયને વરે છે !
રાજપુત્ર શ્રેયાંસકુમારે નીહાળેલું સ્વપ્ન પણ ભવ્ય હતું, એમણે સ્વપ્નમાં એવી અનુભૂતિ કરી કે મેરગિરિ જેવો મેરગિરિ ચારે તરફથી શ્યામ થઈ ગયો છે અને એની પર પોતે દૂધના કલશો ઠાલવી રહ્યો છે. આ અમૃતકળશના અભિષેકથી મેરગિરિ પુનઃ ઉજ્જવળ બનીને ઝગારા મારી ઉઠે છે.
તપાધિરાજ વર્ષીતપ