________________
ભવનપતિ અને વ્યંતરદેવોને કૃષ્ણાદિ-૪ લેશ્યા હોય છે. જ્યોતિષ્ક અને પહેલા બે દેવલોકમાં તેજો, ત્રીજા-ચોથા-પાંચમા દેવલોકમાં પદ્મ અને છટ્ઠાથી અનુત્તર દેવલોકમાં શુક્લલેશ્યા જ હોય છે.
પ્રશ્ન :- (૩૩) શાસ્ત્રમાં કહ્યું છે કે, સમ્યક્ત્વની પ્રાપ્તિ શુભલેશ્યામાં જ થાય છે અને નારકોને જન્મથી માંડીને મરણ સુધી અશુભ લેશ્યા હોય છે. તેથી નારકોને સમ્યક્ત્વની પ્રાપ્તિ કેવી રીતે થઇ શકે ? જવાબ :- લેશ્યા-૨ પ્રકારે છે. (૧) દ્રવ્યલેશ્યા (૨) ભાવલેશ્યા. યોગવર્ગણાની અંદર કાળા વગેરે રંગના જે પુદ્ગલો છે, તે દ્રવ્યલેશ્યા કહેવાય છે અને દ્રવ્યલેશ્યાથી શુભાશુભ પરિણામ ઉત્પન્ન થાય છે, તે ભાવલેશ્યા કહેવાય છે. નારકીના જીવોને જન્મથી મરણ સુધી દ્રવ્યલેશ્યા અશુભ હોય છે પણ ભાવલેશ્યા શુભ અને અશુભ બન્ને હોય છે. એટલે નારકોને સમ્યક્ત્વની પ્રાપ્તિ વખતે દ્રવ્યલેશ્યા અશુભ હોવા છતાં પણ ભાવલેશ્યા શુભ જ હોય છે. તેથી નારકોને શુભલેશ્યામાં સમ્યક્ત્વની પ્રાપ્તિ થાય છે.
પ્રશ્ન :- (૩૪) અસંશી પંચેન્દ્રિય જીવ કઇ ગતિ પ્રાયોગ્ય કર્મપ્રકૃતિને બાંધી શકે?
જવાબ :- અસંશીપંચેન્દ્રિય જીવો મરીને લબ્ધિ-પર્યાપ્તા કે લબ્ધિઅપર્યાપ્તા તિર્યંચ-મનુષ્ય, દેવ-નારક અને ૫૬ અંતરદ્વીપના યુગલિક તિર્યંચ-મનુષ્યમાં ઉત્પન્ન થઇ શકે છે. તેથી તે જીવો લબ્ધિ-પર્યાપ્તા કે અપર્યાપ્તા તિર્યંચ-મનુષ્ય, દેવ-નારક અને યુગલિક તિર્યંચ-મનુષ્ય પ્રાયોગ્ય કર્મ પ્રકૃતિને બાંધી શકે છે.
પ્રશ્ન :- (૩૫) આહાર કેટલા પ્રકારે છે ? કયા જીવો કેટલા પ્રકારે આહાર કરી શકે છે ?
જવાબ :- આહાર ત્રણ પ્રકારે છે.
(૧) ઓજાહાર (૨) લોમાહાર (૩) કવલાહાર
એકેન્દ્રિય અને દેવ-નારકને કવલાહાર હોતો નથી. ઓજાહાર અને લોમાહાર જ હોય છે. બાકીના તિર્યંચ-મનુષ્યો ત્રણે પ્રકારનો આહાર કરી શકે છે.
૨૭૧