________________
ઓહ ! મારી વર્ષોની મહેનત સાવ વ્યર્થ ગઈ !”
ચૈતન્યદેવ કશું બોલ્યા નહિ. એ રાત્રે બંને મિત્રો જલવિહાર કરવા નીકળ્યા. પૂર્ણિમાની ચાંદનીમાં નાનીશી હોડીમાં બંને નીકળ્યા. બંને વાતોમાં ડૂબી ગયા. એવામાં ચૈતન્યપ્રભુએ કપડામાં વીંટાળેલી એક પોથી બહાર કાઢી અને નદીના જળમાં પધરાવી દીધી.
રઘુનાથ શિરોમણિના વિસ્મયનો પાર ન રહ્યો. એમણે પૂછ્યું, “મિત્ર ! આ તે શું કર્યું? પાણીમાં પોથી કેમ પધરાવી દીધી ?”
હળવું સ્મિત કરતાં ચૈતન્યપ્રભુએ કહ્યું : “રઘુનાથ ! એ તો તે જોયેલી ન્યાયશાસ્ત્ર પરની મારી ટીકા હતી. એને મેં પાણીમાં પધરાવી દીધી.”
રઘુનાથ કહે, “અરે ! એવી સુંદર ટીકાને તે પાણીમાં પધરાવી દીધી ? આવું કેમ કર્યું?”
ચૈતન્ય મહાપ્રભુએ કહ્યું, “જે ગ્રંથ મારા મિત્રની કીર્તિને હણી નાખે તે ગ્રંથ શા કામનો ! જે ગ્રંથે તારા દિલ પર ઘા કર્યો, તેનો મેં પાણીમાં ઘા કર્યો.”
રઘુનાથ ચૈતન્યદેવનાં ચરણોમાં ઢળી પડ્યા. ત્યારે ચૈતન્યદેવે કહ્યું, “રઘુનાથ ! મારી કીર્તિ મારા મિત્રની અપકીર્તિ બને તે હું કેવી રીતે સહન કરી શકું ? હકીકતમાં જે કીર્તિનો મોહ છોડે તે જ કલ્યાણ સાધી શકે છે.”