________________
૮. શ્રી ચંદ્રપ્રભુના સ્તવનો.
કર્તા : શ્રી મોહનવિજયજી મહારાજ ! ચંદ્રપ્રભની ચાકરી નિત્ય કરીએ, હાં રે નિત્ય કરીએ રે, નિત્ય કરીએ. કરીએ તો ભવજલ તરીએ... હાં રે ચઢતે પરિણામ...૧ લક્ષ્મણા માતા જનમીયા જિનરાયા, જિન ઉડુપતિ લંછન પાયા; એ તો ચંદ્રપુરીના રાયા... હાં રે નિત્ય લીજે નામ ચંદ્રપ્રભની...૨ મહસેન પિતા જેહના પ્રભુ બળીયા, મને જિનજી એકાંતે મળીયા; મારા મનના મનોરથ ફળીયા... હાં રે દીઠે દુઃખ જાય, ચંદ્રપ્રભની...૩ દોઢસો ધનુષની દેહડી જિન દીપે, તેજે દિનકર, ઝીપે; સુર કોડી ઉભા સમીપે... હાં રે નિત્ય કરતા સેવ. ચંદ્રપ્રભની...૪ દશ લાખ પૂર્વનું આઉખું જિન પાળી, નિજ આતમને અજવાળી; દુષ્ટ કર્મના મર્મને ટાળી... હાં રે લહ્યું કેવળજ્ઞાન ચંદ્રપ્રભની...૫ સમેતશિખર ગિરિ આવિયા પ્રભુ રંગે, મુનિ કોડી સહસ પ્રસંગે, પાળી અણસણ ઉલટ અંગે... હારે પામ્યા પરમાનંદ. ચંદ્રપ્રભની...૬ શ્રી જિન ઉત્તમ રૂપને જે ધ્યાવે, તે કીર્તિ કમલા પાવે; મોહનવિજય ગુણ આવે... હાં રે આપો અવિચલ રાજ. ચંદ્રપ્રભની...૭