________________
આ લખાણોમાં મારું કશું નથી
આ દ્વારા એક વાત સ્પષ્ટપણે કહેવા માગું છું કે આ કથાઓ મેં ફક્ત મળી શકેલાં ગુજરાતી ધર્મ ગ્રંથોમાંથી ઉતારી છે. હું લેખક નથી - ફક્ત કથાઓનું સંપાદન કર્યું છે. મેં મારા મનથી કંઈ નવું ઉમેર્યું નથી. ધર્મગ્રંથોના આધારને સ્પષ્ટપણે વળગી રહ્યો છું.
દુઃખની વાત છે કે હું સંસ્કૃત, પ્રાકૃત, માગધી, પાલી કે અર્ધમાગધી ભાષા જાણતો નથી. આપણા જૈન ધર્મોના મુખ્ય ગ્રંથો સંસ્કૃત યા પ્રાકૃત ભાષામાં છે. એટલે એ ઉપરથી ગુજરાતીમાં અનુવાદ થયેલ ગ્રંથો વાંચી આ ચરિત્રો લખ્યા છે. એટલે અસલ લખાણમાં જે મઝા છે તે મઝા આ અનુવાદિત ગ્રંથોમાં ન આવે, તેથી થોડી રસક્ષતિ છે જ.
જોકે ઘણાં લખાણો શ્રી હેમચંદ્રાચાર્યના શ્રી ત્રિષષ્ટિ શલાકા પુરુષ ચારત્રમાંથી લીધેલ છે, જે અસલ ગુજરાતીમાં છે. ઉપરાંત ઉપદેશ પ્રાસાદ ભાષાંતરમાંથી ઘણા પ્રસંગો લીધા છે.
સાત આઠ વર્ષની ઉમરે શ્રી ધર્મવિજ્ય મહારાજે (ડહેલાવાળા) અમારા મહોલ્લામાં (પાટણમાં) ચોમાસું બદલ્યું અને વ્યાખ્યાનમાં ષ્ટાંતરૂપે શ્રી ધના શાલીભદ્રની વાર્તા કરી. એ વાર્તાએ ચિત્તને ઘેલું કર્યું. અને વારંવાર મુનિમહારાજાઓનું વ્યાખ્યાન સાંભળતાં વાર્તાઓમાં રસ પડવા લાગ્યો અને વ્યાખ્યાન ફક્ત વાર્તાઓ જ સાંભળવા જતો, એમ કહું તો ખોટું નથી. અને ઉમર વધતાં મગજમાં ઘણી વાર્તાઓ ભેગી થઈ.
એક વખત વિલેપાર્લામાં પંન્યાસ પ્રવર શ્રી ભદ્રગમ વિજયજી હાલ આચાર્ય શ્રી વિજય ભદ્રગુપ્તસૂરિશ્વરજી પધાર્યા. તેમણે વ્યાખ્યાનમાં શ્રી અવંતીસુકુમાલની કથા સંભળાવી. વાર્તામાં તો રસ ખરો પણ વ્યાખ્યાનની શૈલીએ ઘણો પ્રભાવિત થયો. એ જ દિવસે મનથી નક્કી કર્યું કે આવી ધાર્મિક ચરિત્રકથાઓ એકઠી કરવી જોઈએ. અને એક પુખ્તક રૂપે છપાવી સમાજને આપવી જોઈએ.
એક દિવસ સવારમાં છાપા - મુંબઈ સમાચારમાં મેતારક મુનિની કથા આવી. અને એ જ દિવસે આ ગ્રંથની પહેલી કથા મેતારક મુનિની લખી. પણ લખાણ ઘણું ધીમું લખાતું હતું. મહિને પંદર દિવસે એકાદ કથા લખાતી હતી. પણ કુટુંબીજનો દીકરા, દીકરી, પુત્રવધૂ આદિએ જે કંઈ લખાયું છે તે જલદી છપાવી નાખવા આગ્રહ કર્યા કર્યો. પણ મનથી નિશ્ચય કરેલ કે ૧૦૮ કથાઓ લખવી છે અને એકસાથે એક જ પુસ્તકમાં છપાવવી છે, એટલે લખાણમાં ઝડપ આવી. અને અઠવાડિયામાં ૧-૨ વાર્તાઓ લખાવા માંડી. પહેલેથી છેલ્લી કથાઓ લખતાં લગભગ અઢી વર્ષ થયાં.