________________
જૈન શાસનના ચમકતા હીરાઓ B ૩૧૫
તેમાં પુષ્પના ગુચ્છાની જેમ અડદનો એક પિંડ ગોપવી લઈ જતી અને શ્રેણિક તે પિંડ દિવ્ય ભોજન સમજી ખાતો અને પ્રાણરક્ષા કરતો.
કેટલાક વખતે માતા ચેલ્લણાના કેટલાક ખુલાસાથી કૂણિકને સબુદ્ધિ આવી અને "ઓહ ! અવિચારિત કાર્ય કરનારા એવા મને ધિક્કાર છે ! હવે જેમ થાપણ રાખેલી પાછી સોંપે તેમ હું મારા પિતાને રાજ્ય પાછું આપી દઉં." આ પ્રમાણે અધું. ભોજન કરેલ તેવી સ્થિતિમાં જ પૂરું ભોજન કરવા ન રોકાતાં તરત જ પિતાને પહેરાવેલ લોખંડની બેડીઓ તોડવા એક લોહદંડ ઉપાડીને તે શ્રેણિકની પાસે જવા દોડ્યો.
કૂણિકે શ્રેણિક પાસે રાખેલા પેહેરેગીરો પૂર્વના પરિચયથી શ્રેણિક પાસે દોડતા આવ્યા અને કૃણિકને લોહદંડ સાથે આવતો જોઈને બોલ્યા, “અરે રાજન ! સાક્ષાત્ યમરાજની જેમ લોહદંડને ધારણ કરી તમારો પુત્ર ઉતાવળો આવે છે. તે શું કરશે ? તે કાંઈ અમે જાણતા નથી." તે સાંભળી શ્રેણિકે વિચાર્યું કે, "આજે તો જરૂર મારા પ્રાણ જ લેશે, કારણ કે આજ સુધી તો તે હાથમાં ચાબુક લઈને આવતો હતો અને આજે તે લોહદંડ લઈને આવે છે. વળી હું જાણી શકતો નથી કે તે મને કેવા સખત મારથી મારી નાખશે ! માટે તે અહીં આવી પહોંચે તે પહેલાં મારે જ મરણનું શરણ કરવું યોગ્ય છે." આવું વિચારી તેણે તત્કાળ તાળપુટ વિષ જિવા ઉપર મૂક્યું, જેથી તેના પ્રાણ તત્કાળ ચાલ્યા ગયા.
કૃણિક નજીક આવ્યો ત્યાં તો તેણે પિતાને મૃત્યુ પામેલા જોયા. તેથી તત્કાળ તેણે છાતી કૂટીને પોકાર કર્યો કે, “હે પિતા ! હું આવા પાપકર્મથી આ પૃથ્વીમાં અદ્વિતીય પાપી થયો છું. વળી, હું જઈ પિતાને ખમાવું" આવો મારો મનોરથ પણ પૂર્ણ થયો નહીં, તેથી હમણાં તો હું અતિ પાપી છું. પિતાજી ! તમારા પ્રસાદનું વચન તો દૂર રહ્યું પણ મેં તમારું તિરસ્કાર ભરેલું વચન પણ સાંભળ્યું નહીં. મને મોટું દુર્દેવ વચમાં આવીને નડ્યું. હવે ગમે તેમ કરી મારે મરવું તે જ યોગ્ય છે." આ પ્રમાણે અતિ શોકમાં ગ્રસ્ત થયેલો કૂણિક મરવાને તૈયાર થયો, પણ મંત્રીઓએ તેને સમજાવ્યો એટલે તેણે શ્રેણિકના દેહનો અગ્નિસંસ્કાર કર્યો.
મહારાજા શ્રેણિકનો આત્મા ત્રીજી નરકે ગયો. કાળે કરીને આવતી ચોવીસીમાં પહેલા તીર્થંકર થશે.