________________
જૈન શાસનના ચમકતા હીરાઓ ૨૫૪
સિદ્ધરાજનો રથ આગળ ચાલે છે. થોડે દૂર આચાર્યદેવ બીજા મુનિવરો સાથે ચાલે છે. રાજા ગુસ્સામાં આચાર્યદેવને મળતા નથી. એક દિવસ, બે દિવસ, એમ ત્રણ દિવસ ગયા.
રાજાને થયું. જરૂર ગુરુદેવ મારા પ્રત્યે નારાજ થયા છે. મારી વિનંતીથી તે મારી સાથે આવેલા છે. મારે તેમના મનને દુભાવવું ન જોઈએ, પ્રસન્ન રાખવું જોઈએ.
ચોથા દિવસે રાજા આચાર્યદેવને ઉતારે આવ્યા. આચાર્યદેવ શિષ્ય સાથે ભોજન કરતા હતા. તેમના ભોજન પાત્રમાં લુખ્ખી-સુક્કી રોટલીઓ જોઈ અને પાણીની કંજી જોઈ રાજા વિચારે છે.
અહો ! આ જૈન સાધુ કેવી આકરી તપશ્ચર્યા કરે છે ! ખરેખર આ મહાત્માઓ પૂજાને યોગ્ય છે. એમનું મેં અપમાન કર્યું ! મારે તેમની ક્ષમા માગવી જોઈએ.
આહાર-પાણીથી પરવાર્યા પછી આચાર્યદેવનાં ચરણમાં પડી રાજાએ ક્ષમા માગી.
આચાર્યે કહ્યું, “તમારો કોઈ અપરાધ નથી. તેથી અમારે ક્ષમા આપવી પડે એવું છે જ નહીં. તમારે એમ ન સમજવું કે અમે રોષે ભરાયા છીએ.
રાજાને સમજાયું કે, આ ગુરુદેવને તો મારી કોઈ જરૂર નથી. મારે તેમની જરૂર છે. આચાર્યદેવના આશીર્વાદ લઈ રાજા પોતાના સ્થાને ગયો અને પછીથી દરરોજ આચાર્યદેવને મળવા લાગ્યો. એમની પાસે બેસીને જૈન ધર્મનું તત્ત્વજ્ઞાન મેળવવા લાગ્યો.
એમ કરતાં કરતાં તેમનો સંઘ પાલિતાણા પહોંચી ગયો. શત્રુંજય ગિરિરાજનાં દર્શન કરી સિદ્ધરાજનું હૃદય નાચી ઊઠ્યું. બીજે દિવસે આચાર્યદેવ તથા અન્ય મુનિવરોની સાથે રાજા શત્રુંજયના પહાડ ઉપર ચડ્યો. ઋષભદેવનાં દર્શન કરી બધા ધન્ય બન્યા. ભાવપૂર્વક પૂજા કરી. નવા સંસ્કૃત કાવ્યની રચના કરી આચાર્યદેવે ભગવાનની સ્તુતિ
કરી.
પહાડ ઊતરી રાજાએ તળેટી ઉપર સદાવ્રત શરૂ કર્યું. રાજાએ યાત્રા નિમિત્તે વાચકોને દાનમાં સોનામહોરો તથા સુંદર વસ્ત્રો આપ્યાં.
શત્રુંજય જાત્રા કરી સંઘ ગિરનાર આવ્યો. ગિરનાર ઉપર પ્રભુ નેમનાથનાં દર્શન કર્યા અને તેમનાથનું ચરિત્ર રાજાને સંભળાવ્યું. આ ચરિત્ર સાંભળી રાજા આશ્ચર્યચકિત થઈ ગયો.