________________
જૈન શાસનના ચમકતા હીરાઓ [ ૧૬૪
જન્મની માતા બન્યા હતી." પછી દહીં વડે પારણું કરીને, પ્રભુની આજ્ઞા લઈને શાળિભદ્ર મુનિ ધન્યની સાથે અનશન કરવા માટે વૈભારગિરિ પર ગયા. ત્યાં ધન્ય અને શાલિભદ્ર શિલાતલ ઉપર પ્રતિલેખણા કરીને પાદપોપગમ નામે આજીવન અનશન અંગીકાર કર્યું.
અહીં શાલિભદ્રની માતા ભદ્રા અને શ્રેણિક રાજા તે જ વખતે ભક્તિયુક્ત ચિત્તે શ્રી વીર પ્રભુ પાસે આવ્યાં. પ્રભુને નમસ્કાર કરી ભદ્રાએ પૂછ્યું કે, હે ગતપતિ ! ધન્ય અને શાળિભદ્ર મુનિ ક્યાં છે ? તેઓ અમારે ઘરે ભિક્ષાને માટે કેમ ન આવ્યા?' સર્વજ્ઞ બોલ્યા કે, તે મુનિઓ તમારે ઘેર વહોરવા માટે આવ્યા હતા, પણ તમે અહીં આવવાની વ્યગ્રતામાં હતા, તેથી તમારા જાણવામાં આવ્યા નહીં. પછી તમારા પુત્રની પૂર્વ જન્મની માતા ધન્યા નગર તરફ આવતી હતી, તેણીએ તેમને દહીં વહોરાવ્યું, તેના વડે પારણું કરીને બંને મુનિઓએ સત્વર સંસારથી છૂટવાને માટે હમણાં જ વૈભારગિરિ પર જઈ અનશન ગ્રહણ કર્યું છે. તે સાંભળી ભદ્રા શ્રેણિક રાજાની સાથે તત્કાળ વૈભારગિરિ પર આવી, ત્યાં તે બંને મુનિઓ જાણે પાષાણ વડે ઘડેલા હોય તેમ સ્થિર રહેલા તેમના જોવામાં આવ્યા. તેમના કષ્ટને જોતી અને પૂર્વના સુખને સંભારતી ભદ્રા બેફાટ રુદન કરવા લાગી. તે બોલી કે, હે વત્સ ! તમે ઘેર આવ્યા તો પણ મેં અભાગિણીએ પ્રમાદથી તમને જાણ્યા નહીં તેથી મારી ઉપર અપ્રસન્ન થાઓ નહીં. ઘર ત્યાગીને વ્રત અંગીકાર કર્યું પણ કોક વાર તો તમે મારી દૃષ્ટિને આનંદ આપશો, એવો મારો મનોરથ હતો. પણ હે પુત્ર ! આ શરીરત્યાગના હેતુરૂપ આરંભથી તમે હવે મારો એ મનોરથ પણ ભાંગી નાખ્યો છે. હે મુનિઓ ! તમે જે ઉગ્રતપ આવ્યું છે, તેમાં હું વિઘ્નરૂપ થતી નથી, પણ મારું મન આ શિલાનળની જેમ અતિશય કઠોર થયેલું જણાય છે કેમ કે આવા ભયંકર કષ્ટમાં પણ તે ફૂટી જતું નથી.” પછી શ્રેણિક રાજા બોલ્યા કે, હે ભદ્રે ! આ હર્ષને સ્થાને તમે રૂદન કેમ કરો છો ? તમારો પુત્ર આવો મહાસત્તવાન હોવાથી તમે એક જ સર્વ સ્ત્રીઓમાં ખરાં પુત્રવતી છો. હે મુગ્ધ ! આ મહાશયો જગત સ્વામીના શિષ્યને ઘટે એવું તપ આચરે છે. તેમાં તમે સ્ત્રી સ્વભાવથી વૃથા પરિતાપ શા માટે કરો છો ?" રાજાએ આ પ્રમાણે પ્રતિબોધ કર્યો તેથી ભદ્રા તે મુનિઓને વાંદી ખેદયુક્ત ચિત્તે પોતાને ઘેર ગઈ અને શ્રેણિક રાજા પણ પોતાના સ્થાને ગયા. તે બંને મુનિ ધન્ય અને શાળિભદ્ર કાળ કરી સર્વાર્થસિદ્ધનામના વિમાનમાં હર્ષરૂપ સાગરમાં મગ્ન થયા છતા તેત્રીસ સાગરોપમના આયુષ્ય દેવપણે ઉત્પન્ન થયા, ત્યાંથી મહાવિદેહમાં જન્મી સિદ્ધિ પદને પામશે.