________________
જૈન શાસનના ચમકતા હીરાઓ [ ૧૨૩
સુદર્શન શેઠ
૫૫.
સુદર્શન શેઠ પક્કા શીલસંપન્ન હોવાથી ખૂબ પંકાયા હતા. શીલનો આદર્શ રજૂ કરવાને માટે મુખ્યત્વે આ પુણ્યાત્માનું નામ લેવાય છે. જે પ્રસંગના યોગે શ્રી સુદર્શન આવી ઉત્તમમાં ઉત્તમ કોટિની નામના પામી શક્યા, તે પ્રસંગ સામાન્ય કોટિનો નથી. પહેલેથી છેલ્લે સુધી સુદર્શન શેઠે જેવી મક્કમતા દર્શાવી છે અને સદાચારના સેવનમાં જે લેશ પણ સ્કૂલના થવા દીધી નથી, તે જો બરાબર વિચારાય તો સમજાય કે ભૌતિક અનુકૂળતાનું અર્થીપણું ટળ્યા વિના આમ બનવું એ શક્ય જ નથી.
અંગદેશની ચંપાપુરી નગરીના રાજા દધિવાહનને અભયા નામની પત્ની હતી. સુદર્શન શેઠ આ ચંપાપુરીમાં વસતા હતા. તેમને મનોરમા નામે પત્ની હતી. સુદર્શન શેઠને ચંપાનગરીના પુરોહિત સાથે ગાઢ મૈત્રી હતી. મિત્રાચારી એટલી ગાઢ હતી કે મોટે ભાગે પુરોહિત સુદર્શનની સાથે ને સાથે જ રહેતો. આ મૈત્રીના લીધે પુરોહિત પોતાના નિત્યકર્મને પણ કોક વાર ભૂલી જતો. પુરોહિતની આ હાલત જોઈને તેની પત્ની કપિલાએ એક વાર તેને પૂછ્યું, નિત્યકર્મને પણ ભૂલી જઈને તમે આટલો બધો વખત ક્યાં વિતાવો છો ? પુરોહિતે જણાવ્યું કે, હું બીજે ક્યાંય જતો નથી. પણ મારા પરમ મિત્ર સુદર્શનની પાસે જ હોઉં છું.
કપિલાએ સુદર્શન કોણ છે? એમ પૂછ્યું તેના જવાબમાં પુરોહિતે જણાવ્યું કે, તે ઋષભદાસ શ્રેષ્ઠિનો પુત્ર છે. મહા બુદ્ધિશાળી અને રૂપમાં કામદેવ જેવો છે. સૂર્યસમો તેજસ્વી છે. તે મહાસાગર જેવો ગંભીર છે. એનામાં અનેક ગુણ છે. પણ એનો સદાચાર રૂપ શીલગુણ અદ્ભુત છે. એનું સદાચરણ લેશ પણ ખલનાને પામતું નથી"
પુરોહિત ગુણાનુરાગી હતો. સુદર્શનના ગુણોથી મુગ્ધ બની ગયો તેણે કરેલી પ્રશંસાનું પરિણામ કપિલા માટે વિપરીત થયું. ગુણમાં અને રૂપમાં જેનો જોટો ન મળે એવો સુદર્શન છે. આવું સાંભળીને કપિલા કામવિવલ બની. કામાતુર બનેલી કપિલાએ સુદર્શનને પોતાની પાસે લાવવાની ઈચ્છા કરી. અને તે સુદર્શનની સાથે ભોગ ભોગવવા તલપાપડ બની પણ એ ઇચ્છા પૂરી કરવી એ કંઈ સહેલું કામ ન હતું.
અચાનક રાજાના હુકમથી પુરોહિતને બહારગામ જવાનું થયું.