________________
વધે છે, તેમ તેમ તેનાં જૂનાં આકર્ષણો, કુટેવો, વ્યસનો, પૂર્વગ્રહો અને ગમાઅણગમાની પકડમાંથી તે મુકત થતો જાય છે અને પોતામાં સમતા, સ્વસ્થતા અને સામર્થ્યનો સંચાર થઈ રહ્યાનો અનુભવ કરવા લાગે છે. રોજિંદા જીવનના પડકારો અને વિષમતાઓને સ્વસ્થતાપૂર્વક પાર કરવાની ક્ષમતા તેનામાં વિકસતી જાય છે. જીવન પ્રત્યેના તેના સમગ્ર દષ્ટિકોણમાં જ પરિવર્તન આવતું જાય છે. પરિણામે રોજ-બ-રોજના પ્રસંગોમાં નિર્લેપતા અને સંસર્ગમાં આવતા માનવબંધુઓ પ્રત્યે સહાનુભૂતિ અને પ્રેમની લાગણી તેને સહજ બનતી જાય છે, ને તેના અંતરમાં મૈત્રી અને સહકારની ભાવના વ્યાપ્ત રહે છે, જેથી કટુંબ તેમજ સમાજ સાથેનો તેનો વ્યવહાર પણ સુમેળભર્યો અને પ્રસન્ન બનતો જાય છે.
સાધકનું ચિત્ત ગ્રંથિઓથી ઉત્તરોત્તર અધિક મુકત થતું જતું હોવાથી કેટલાક રોગો - જેનું મૂળ મનોશારીરિક (psycho-somatic) હોય છે તે - પણ મટી જાય છે અને સાધક દારૂ, સિગારેટ જેવાં વ્યસનોથી પણ બહુધા મુકત બને છે. આધુનિક માનસચિકિત્સકો અભિપ્રાય છે કે માણસ તણાવ, ચિંતા, ભય, શોક વગેરેથી ક્ષણિક છૂટકારો મેળવવા દારૂ, ગાંજો, ચરસ, એલ.એસ.ડી. જેવાં માદક દ્રવ્યો કે જુગારાદિ વ્યસનો તરફ કે સિનેમા, નાટક અને નાઈટકલબો જેવાં મનોરંજનો તરફ વળે છે, ભાગેડુવૃત્તિ - escapism સિવાય એમાં બીજું કશું જ નથી. વિપશ્યના દ્વારા ચિત્ત નિર્મળ, શાંત, સમ અને સ્વસ્થ થાય તેની સાથે જ ઉપર્યુકત દોષો સ્વયં વિદાય લે એ સ્પષ્ટ જ છે.
અસાધ્ય રોગ કે ગુપ્ત વરદાન?
ભારતમાં હાલ વિપશ્યના-શિબિરોનું સંચાલન શ્રી ગોયન્કાજી કરે છે. તેઓ પોતે આ સાધના પ્રત્યે આકર્ષાયા તેમાં પરમાત્માની કઠોર કૃપા નિમિત્ત બની હતી. નાનપણથી જ તેમને માયગ્રેન - આધાશીશી જેવું અસહ્ય શિરદર્દ લાગુ પડેલું. શરૂઆતમાં વર્ષે એકાદ-બેવાર રોગનો હુમલો આવતો અને સાત-આઠ કલાકની અસહ્ય વેદના પછી એકાએક આરામ થઈ જતો, પણ વય વધવાની સાથે દર્દના બે ક્રમિક હુમલાઓ વચ્ચેનું અંતર ઓછું થતું ગયું અને પ્રત્યેક હુમલા વખતનો વેદનાનો સમય વધતો ગયો. અનેક ઉપચારો