________________ (4.1) અવધિજ્ઞાન 241 કે મારે જોવું છે, તો અહીંયા આ બધું આખું દેખાય એને. હવે એ અવધિજ્ઞાનમાં શું કરે કે એના ફાધર-મધર, ભાઈઓ બધા અત્યારે ક્યાં છે, તે અહીં આગળ મનુષ્યલોકમાં તપાસ કરે, જુએ અવધિજ્ઞાનમાં. બધા વાતો કરતા હોય, ચા પીતા હોય ને ઢોંસા ખાતા હોય ને બધું ખાતા હોય એ જુએ. એને જ્ઞાનમાં શું દેખાય કે ઓહોહો ! આ ફાધર-મધર, આ મારી વાઈફ આ બધા મજા કરે છે ને હું એકલો જ નર્કમાં! મેં ખોટું કર્યું ત્યારે જ ને આ દુ:ખ થયું. તે ઊલટો વધારે દુ:ખી થાય. એ જ્ઞાન એને વધુ દુઃખ કરવા માટે પ્રાપ્ત થયું છે. એને બહુ દુઃખ થાય કે મેં ખોટા કર્મ બાંધ્યા તેથી આ મારે ભોગવવું પડે છે. કર્મ મેં બાંધ્યા, લોકોની જોડે ચોરીઓ, લુચ્ચાઈઓ, હરામખોરી મેં કરી ને ભેગું કરેલું ભોગવ્યું એમણે. કારણ કે એ તો ના કહેતા હતા, તમે સારા કામ કરજો, બા. અમારે જોઈતું નથી આવું. પણ પેલો કરી લાવેને કર્મ તો ! ત્યાં આગળ પછી પોતાને મનમાં એમ થાય કે અમારા ભાઈઓ બધા જો એમણે કંઈ ગુનો ના કર્યો ત્યારે સારી રીતે મજામાં છે ને મેં આ ગુના કર્યા, મેં આ પાપ બાંધ્યા, તેનું જ આ મને ફળ મળ્યું. તે પછી નક્કી કરે કે હવે કોઈ સુખ ભોગવવું નથી, હવે મોક્ષે જ જવું છે. જેમ બહુ મોટો ગુનેગાર હોય ને તેને બહુ મોટો દંડ આપે ત્યારે જ પાછો ફરે ને ! નહીં તો ફરે નહીં, ગાંઠે નહીંને ! નર્કયોનિના દુ:ખને લઈને જ ત્યાંથી એવા ભાવ થાય છે કે ફરી હવે મોક્ષ સિવાય બીજું કાંઈ જોઈતું જ નથી. એ દુ:ખ સહન થતા નથી, એટલે નક્કી કરે છે કે હવે કશું જોઈતું નથી.