________________ સુવાક્યો * જૂના કાળમાં લખ્યા પછી સાહી સુકાવવા માટે તેના પર રેતી ભભરાવતા હતા. ત્યાં જો રેતીની બદલે હીરાની ભસ્મ ભભરાવે તો મૂરખ ગણાય. તેમ જે મનથી ક્ષપકશ્રેણિ માંડવાની છે તે મનથી વિષય કષાયમાં પ્રવૃત્તિ કરે તો તે મહામૂરખ ગણાય. * કારણ વિના અધિકાર વિના બીજા પાસે કામ કરાવે તે આભિયોગિક કર્મ બાંધે. બીજાના ગુનાએ પણ આપણે કષાય કરીએ તો આપણને જ દંડ થાય. * પ્રભુ ! આપે મારું મન ચોરી લીધું છે. હવે એ પાછુ ન આપશો. નહીંતર એ સંસારમાં રખડ્યા કરશે. મારે તો આપનું મન જોઈએ છે કે જેનાથી આપે ક્ષપકશ્રેણિ માંડી. જો આપનું મન ન આપવું હોય તો મારા મનને આપના મનથી ભાવિત કરી મારું મન આપો. ભગવાને ઉપસર્ગ કરનારાઓનો પ્રતિકાર કેમ ન કર્યો? ભગવાન કર્મનિર્જરા કરવામાં એટલા busy હતા કે પ્રતિકાર કરવાની ભગવાનને ફુરસદ પણ ન હતી. * ભગવાન આપણને કહે છે - “મારે તને મોક્ષે લઈ જવો છે.” ભગવાનની ભાવના પૂરી કરવા ખાતર પણ આપણે સાધના માટે કટીબદ્ધ થવું જરૂરી છે. * દુઃખના નિમિત્ત એ તો બાહ્ય દુઃખ છે. આંતર દુઃખને આત્મામાં કેટલું પરિણત કરવું એ આપણા હાથની વાત છે. જો મન તેમાં ન લઈ જઈએ તો બાહ્ય દુઃખ ઘણું હોવા છતાં આંતર દુઃખ જરાય ન અનુભવાય. જો મન તેમાં લઈ જઈએ તો બાહ્ય દુઃખ થોડું હોવા છતાં આંતર દુઃખ ઘણું અનુભવાય. * ઘણીવાર દેખાતા લાભમાં નુક્સાન હોય, ઘણીવાર દેખાતા નુકસાનમાં લાભ હોય. * સંયમજીવનમાં કેટલા ઊંચે ચઢયા તેનું માપ તમે કેટલા આનંદમાં છો તેના પરથી નીકળે. * આપણું મન અશાંત રહે છે તેનું કારણ એ છે કે આપણે બીજાના મન અશાંત કર્યા છે. વરસાદનું પાણી નદીમાં પડે તો ઉપયોગમાં આવે, સમુદ્રમાં પડે તો નિષ્ફળ જાય. ઉપયોગપૂર્વક બોલાયેલા સૂત્રો નદીમાં પડતા વરસાદ જેવા છે. ઉપયોગ વિના બોલાયેલા સૂત્રો સમુદ્રમાં પડતા વરસાદ જેવા છે. * જે ખતમ થવાનું છે તેની માટે જીવન શા માટે ખલાસ કરવું? * આપણે કર્મોને કહેવાનું - Quit soul. છતાં જે કર્મો ન જાય તો તપના ગોળીબાર કરવા, સંયમના લાઠીચાર્જ કરવા અને સ્વાધ્યાયના ટીયરગેસ છોડવા. * એડવર્ડ રાજાએ સ્ત્રી માટે રાજ્ય છોડ્યું. આપણે ભગવાન માટે સંસાર ન છોડી શકીએ?