________________
પ્રસ્તાવના
ધર્માદા/ચેરીટેબલ ટ્રસ્ટોનો વહીવટ એ આજના સમયનું સમાજનું એક અગત્યનું અંગ બનતું જાય છે. આજના કાળમાં ધર્માદા ટ્રસ્ટોની સંખ્યામાં ધરખમ વધારો થયો છે. સાથે સાથે ટ્રસ્ટને અનુસરવા પડતા કાયદાઓ મુંઝવણ ભરેલા બનતા જાય છે.ટ્રસ્ટોમાં આવેલ નાણાંનો વધારાનો પ્રવાહ ક્યાં રોકવો ? તે પ્રશ્ન પણ આજના કાળમાં શિરદર્દ રૂપ બનતો જાય છે. ધર્મના સિધ્ધાંતોનું પાલન ટ્રસ્ટના હિસાબો રાખવાનું વિશિષ્ટ જ્ઞાન, ટ્રસ્ટીઓને વહીવટ માટે જરૂરી સમયનો અભાવ. આવા અનેક પ્રશ્નોના કારણે કેટલાય વર્ષોથી એક માંગ ઉભી થઇ હતી કે કોઇ સાદી-સરળ શૈલીમાં ધર્માદા ટ્રસ્ટનું વહીવટ કરવા માટે માર્ગદર્શન મળે તેવું એક નાનુ સરખુ પુસ્તક મળે તો તે સમાજને ખૂબજ સેવાદાયી બની શકે.
બીજી બાજુ હિસાબમાં કાયદાના નિષ્ણાંત એવી વ્યક્તિઓ જેવી કે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, આ વ્યવસાયી લોકો પણ ધર્માદા ટ્રસ્ટને લગતા કાયદાઓ વાંચવા ત્યા તેને લગતુ કામ કરવામાં અનેક કારણોથી મુંઝવણ અનુભવે છે. આવા વ્યવસાયી વ્યક્તિઓને પણ પ્રાથમિક સમજ માટે આ પુસ્તક ખૂબજ લાભદાયી છે.
આવું પુસ્તક બનાવવાનો પ્રથમ પ્રયાસ છે. ઘણી ભૂલો હશે. અમારુ ધ્યાન દોરશો તો તેને સુધારી બીજી આવૃત્તિમાં સમાવવા અમો ચોક્કસથી પ્રયત્ન કરીશું.
આ પુસ્તક છાપવા માટે અમો હૃદયપૂર્વક - અંતઃકરણપૂર્વક પદાર્થ દર્શન ટ્રસ્ટનો ખાસ કરીને તેના ટ્રસ્ટી શ્રી જયંતીભાઇ પી. શાહનો તથા ટ્રસ્ટી શ્રી ભરતભાઇ બુધાભાઇનો જેટલો આભાર માનીયે તેટલો ઓછો છે. વાસ્તવમાં આ ટ્રસ્ટે અમોને છાપવા માટે જો હિંમત ન આપી હોત તો આ કાર્ય આજે થઇ શક્યુ ન હોય.
આ પુસ્તકનું કામ કરવા માટે પ.પૂ. આ.વિ. પદ્મસાગરજી, પ.પૂ. આ.વિ. નરવાહનસૂરિજી, પ.પૂ. અજય સાગરજી તથા પ.પૂ. નયપદ્મ સાગરજી મહારાજ સાહેબના અમો ખૂબ રૂણી છીએ.
જૈન સંસ્થાન ગુજરાત સંસ્થાએ અમોને આ કાર્યમાં ખૂબજ ટેકો આપેલ છે. શેઠ શ્રી શ્રેણીકભાઇએ આપેલા આર્શીવચન, શેઠ શ્રી સંવેગભાઇ લાલભાઇ, શ્રી એમ. એમ સીંધી સાહેબ તથા શ્રી ડૉ. કુમારપાળ ભાઇ દેસાઇએ તથા શ્રી ઉત્કર્ષભાઇએ અમોને આપેલ શુભેછા બદલ ખૂબજ આભાર.