________________
એના પછી સંવત ૧૦૫૩માં શ્રાવણ શુદિ ૧૧ શુક્રવાર પુષ્ય નક્ષત્ર અને વૃષભ લગ્નમાં ચામુંડ નામે રાજા ગાદીએ બેઠો. તેણે શ્રીપત્તનમાં ચંદનાથ અને ચાચિણેશ્વર દેવનો પ્રાસાદ કરાવ્યો. એ રાજા ૧૩ વર્ષ રાજય કરી મરણ પામ્યો.
પછી સંવત ૧૦૬૬ માં વલ્લભરાજદેવ ગાદીએ બેઠો. એ રાજાએ માળવા ઉપર ચઢાઈ કરીને ધારા નગરીનો કોટ ઘેરી લીધો, પણ તેવામાં અકસ્માત ફૂલનો રોગ ઉત્પન્ન થવાથી તે મરણ પામ્યો. એ રાજાએ ૫ માસ ને ૨૯ દિવસ રાજ્ય કર્યું. એ રાજાની બિરૂદાવલીનો પોકાર “રાજમદનશંકર' તથા “જગઝંપણ” એ બે પ્રકારે કરવામાં આવતો હતો.
એના પછી એ જ વર્ષમાં એટલે સંવત ૨૦૬૬ માં એનો ભાઈ દુર્લભરાજ ગાદીએ બેઠો. એણે પ્રથમ પોતાના ભાઈ વલ્લભરાજના શ્રેય માટે મદનશંકર નામનો પ્રાસાદ કરાવ્યો. પછી શ્રીપત્તનમાં સપ્ત માળનો ધવળ ગૃહ જેમાં દાનશાળા, હસ્તિશાળા તથા ઘટિકા ગૃહ છે તે, તથા દુર્લભ સરોવર નામનું તળાવ બંધાવ્યું. એ રાજા ૧૧ વર્ષ ને ૬ માસ રાજ્ય કરી, પોતાના ભાઈના પુત્ર 'ભીમનો રાજ્યાભિષેક કરી પોતે તીર્થ નિવાસ કરવાની ઇચ્છાથી કાશી તરફ ચાલ્યો. ચાલતાં ચાલતાં માર્ગમાં માલવ દેશ આવ્યો. ત્યાંના રાજા મુંજરાજે તેને અટકાવી કહ્યું કે આ મારી હદ છે માટે આ તમે ધારણ કરેલાં છત્ર ચામર વગેરે રાજ ચિહ્નો અહીં છોડો અને કાપડીનો વેશ લઈ એટલે ભગવા લુગડા પહેરી અહીંથી વિદાય થાઓ; અગર તેમ કરવાની ઇચ્છા નહિ હોય તો તમો રાજ ચિહ્ન ધારણ કરો છો માટે મારી સાથે યુદ્ધ કરો. આ સાંભળી રાજા વિચારમાં સ્થિર થયો. પોતાના ધારેલા ધર્મ કાર્યમાં અન્તરાય આવી પડ્યો, એમ દુર્લભરાજના મનમાં વિચાર ઉત્પન્ન થવાથી, સઘળી હકીકત ભીમરાજને નિવેદન કરાવી પોતે સમયનો ખ્યાલ લઇ મુંજરાજના કહેવા પ્રમાણે કાપડીનો વેશ ધારણ કરી કાશી ક્ષેત્રમાં જઈ પરલોક સાધ્યો.
ઉપરોક્ત ઘટનાથી માળવા અને ગુજરાતના રાજા વચ્ચે શત્રુતાનું બીજ રોપાયું.
(૧) બીજી પ્રતમાં પોતાનો પુત્ર ભીમ છે.
૫૮
પ્રબન્ધ ચિન્તામણિ ભાષાંતર