________________
જેના ઉપર કળશ ઢોળે તેને રાજા કરવો. આવા ઠરાવથી હાથીની સૂંઢમાં કળશ આપી, આખા નગરમાં ફેરવતા હતા, તે વખતે એ રાજકુમાર ને છત્રધર એ બે નગરમાં આવ્યા. ત્યાં સમીપે ઉભા રહેલા રાજકુમારને રહેવા દઈ પેલા છત્રધર ઉપર કળશ ઢોળ્યો. પછી પ્રધાનોએ મોટા ઉત્સવથી નગરમાં પ્રવેશ કરાવી રાજ્યગાદીએ બેસાડ્યો ને એ છત્રધરે રાજકુમારને પણ અતિશય મોટી ભક્તિ દેખાડી પોતાની સાથે જ રાખતો હતો ને એમ કહેતો કે હું આ સઘળી પ્રજાનો સ્વામી છું ને મારા સ્વામી તમે છો. આ પ્રકારે ઘટતાં વચન કહી તેની સેવા કરતો હતો પણ તે રાજામાં એક પણ રાજગુણ ન હતો. અતિશય અયોગ્ય હતો. માટે અતિશય દુષ્ટબુદ્ધિથી પ્રજાને પીડવામાં તત્પર હતો ને ચાર વર્ણ તથા ચાર આશ્રમનું શી રીતે પાલન કરવું તે વાત બિલકુલ જાણતો નહોતો. માટે એ જેમ જેમ પ્રજાને પીડે છે તેમ તેમ એ રાજકુમાર શરીરે સૂકાતો જાય છે. જેમ પશુપતિએ (શિવે) માથા પર ધારણ કરેલો ચંદ્ર દુબળો છે તેવો અતિશય દુબળો થયો. તેને જોઈ એક દિવસે તેણે પૂછ્યું કે તમે દિવસે દિવસે કેમ સૂકાતા જાઓ છો ? આ વચન સાંભળી રાજકુમારે ઉત્તર આપ્યો કે તમે દુષ્ટ બુદ્ધિથી પ્રજાને પીડો છો તે અત્યંત અઘટિત છે તે દુઃખથી હું દુબળો પડ્યો છું. તે ઉપર એક ગાથા છે. તેનો અર્થ :
જેનો જડ પુરુષો સાથે નિવાસ છે તથા જેનો ધણી ચાડીયા પુરુષોનું કહેલું સાંભળે છે તે જેટલું જીવે છે એ જ લાભ જાણવો. દુબળું પડવું તથા નાશ પામવું એમાં કાંઈ પણ આશ્ચર્ય નથી. આ ગાથાનો અર્થ મને લાગુ પડે છે. આ પ્રકારનું વચન સાંભળી છત્રધર રાજા બોલ્યો. આ પાપી પ્રજાના અભાગ્યના ઉદયે તેને પીડા થવાની વખતે મને રાજ્ય મળ્યું છે ને જો એ પ્રજાનું સારી રીતિએ પાલન કરવું એવી જ પરમેશ્વરની મરજી હોત તો તમને જ પટ્ટાભિષેક થાત. માટે એવી પરમેશ્વરની મરજી નથી. આ પ્રકારની ઉક્તિ યુક્તિ સાંભળવાથી રાજકુમારના અંતરનો રોગ મટી ગયો ને શરીર પુષ્ટ થયું. આ પ્રકારે છત્રધરનો પ્રબંધ પૂરો થયો.
ગૌડ દેશમાં લક્ષણાવતી નામે નગરીમાં લમણસેન નામે રાજા રાજ્ય કરતો હતો. તેનો પ્રધાન ઉમાપતિધર નામે હતો, તે જ સઘળા રાજ્યની સંભાળ રાખી બુદ્ધિ બળે રાજ્ય ચલાવતો અને રાજા મદોન્મત હાથીની જેમ મદથી અંધ થઈ એક અતિશય રૂપવાન પણ જાતે ચંડાળની પુત્રી, તેની સાથે એવો લંપટ થયો કે લોકલાજ તથા કુળ કલંકથી ડર્યા વિના અપકીર્તિને ઘોળીને પી ગયો પણ કામાન્યતા ન છોડી. એ જોઈ ઉમાપતિધરે વિચાર કર્યો કે રાજા જાતે અતિશય આકરા સ્વભાવનો છે, તેમજ હું પણ છું, માટે રાજાને એના અપલક્ષણ માટે શિખામણ દેવી વ્યર્થ છે તેથી કોઇ બીજો ઉપાય શોધવાની જરૂર છે, જેથી એ સમજે એમ ધારી સભામંડપના ભારોટીઆ પર કેટલાક શ્લોક ગુપ્ત રીતે લખ્યો. તેનો અર્થ : હે જળ ! શીતળપણું એ જ તારો મુખ્ય ગુણ છે અને તારે વિશે સ્વભાવિક નિર્મળપણું રહેલું છે. વધારે શું કહીએ, પણ અપવિત્ર હોય તે પણ તારા સ્પર્શથી પવિત્ર થાય છે.
જુદાં-જુદાં પ્રબન્ધો
૨૦૩