________________
એ ગણિકાને હરિપાળ નામે પુત્ર થયો. હરિપાળને ત્રિભુવનપાળ અને ત્રિભુવનપાળને કુમારપાળ નામે પુત્ર થયો. કુમારપાળ ક્ષત્રિય ધર્મમાં નિપુણ હતો તો પણ મહા દયાળુ અને પરદારાનો ત્યાગી હતો. કુમારપાળમાં રહેલાં રાજ ચિહ્ન જોઇ, સામુદ્રિક શાસ્ત્ર જાણનાર પંડિતોએ સિદ્ધરાજને વિદિત કર્યું કે આપના પછી કુમારપાળ રાજ્યનો ભોક્તા થશે. એની ઉત્પત્તિ હીન જાતિથી થયેલી છે અને તે મારી ગાદીનો ભોક્તા થશે, એમ વિચારી સિદ્ધરાજે નિરંતર તેના વિનાશનો અવસર શોધવા માંડ્યો. સિદ્ધરાજનો આ ક્રૂર વિચાર જાણી, કુમારપાળે તે પોતાને મારી નાખશે એવી ભીતિથી, તાપસનો વેશ લઈ દેશાંતરમાં ભ્રમણ કરવા માંડ્યું. આમ કેટલાંક વર્ષ ભ્રમણ કર્યા પછી, પાછો પાટણ આવી કોઈ મઠમાં તપસી ભેગો રહ્યો.
આ દરમિયાન સિદ્ધરાજના પિતા કર્ણદેવના શ્રાધ્ધનો દિવસ આવ્યો, તેથી સિદ્ધરાજે ઘણી શ્રદ્ધાથી સર્વ તપસ્વીઓને ભોજનનું નિમંત્રણ કરી તેડાવ્યા અને મહા આદરથી સિદ્ધરાજ પોતાના હાથે સર્વ તપસ્વીઓના પગ ધોવા બેઠો. અનુક્રમે પગ ધોતાં તપસ્વીનો વેશ ધારણ કરેલા કુમારપાળના પગ ધોવાનો વારો આવ્યો. તેના કમળ જેવા કોમળ પગ હાથ વડે સ્પર્શ કરી, તેમાં રહેલી ઊર્ધ્વરેખા આદિક રાજ ચિહ્ન જોઇ, આ કોઈ રાજ્યાઈ (રાય કરવા યોગ્ય) પુરુષ છે, એમ ધારી નિશ્ચલ દષ્ટીએ જોઇ, આ કુમારપાળ તો નહિ હોય ! એવા સંકલ્પ વિકલ્પમાં પડ્યો ! તે જોઈ કુમારપાળે સિદ્ધરાજના હૃદયનો પાર પામી જઇ, ભોજનનો ત્યાગ કરી, વેશ બદલી કાગડાની જેમ નાઠો અને આલિંગ નામના કુંભારના ઘરમાં સંતાયો. કુંભારે પોતાના આંગણામાં વાસણ પકવવાના નિભાડામાં સંતાડી તેની રક્ષા કરી. જેવો કુમારપાળ નાઠો તેવાં જ રાજાના માણસો પણ તેને પકડવા તેની પાછળ લાગ્યાં. રાજાનો સપ્ત હુકમ હતો કે, એને ગમે તે પ્રકારે પકડી લાવવો, તેથી તેઓને ઘણો ત્રાસ પડ્યો. આથી કુમારપાળ કુંભારના નિભાડામાંથી નાસી ઘણા વિકટ રસ્તે થઈ, એક ખેતરમાં જ્યાં તે ખેતરના રખેવાળો, વાડ કરવા સારુ મોટા કાંટાવાળા ઝાડોના ડાળા કાપી, તેના ઢગલા કરતા હતા, તે ઢગલામાં તેઓએ કુમારપાળને સંતાડ્યો. રાજાનાં માણસો પણ તેને પગલે પગલે એ ખેતરમાં આવ્યાં. તેઓએ ભાલાઓ મારી તે ઢગલામાં ઘણું જોયું પણ ખેતરવાળાઓએ તેને એવી યુક્તિથી સંતાડ્યો હતો કે તેઓનો પરિશ્રમ વ્યર્થ ઠર્યો અને નિરાશ થઈ ત્યાંથી પાછા ફર્યા.
બીજા દિવસે પ્રાતઃકાળમાં કુમારપાળને કાંટાના ઢગલામાંથી કાઢયો, એટલે ત્યાંથી આગળ ચાલ્યો. ચાલતાં ચાલતાં ઘણો થાક લાગવાથી, માર્ગમાં એક ઝાડની છાયા તળે બેઠો. ત્યાં એક ઉંદર પોતાના દરમાંથી ચાંચ વડે એક એક સોનૈયો બહાર કાઢી લાવી, અનુક્રમે એકવીશ સોનૈયાનો ઢગલો કરી, તેની ઉપર પોતે આળોટી હમેશાં આનંદ પામતો હતો અને પાછળથી અનુક્રમે એક એક સોનૈયો ચાંચ વડે પાછો પોતાના દરમાં લઇ જતો હતો. કુમારપાળે આ બનાવ જોઈ વિચાર કર્યો કે, મારી પાસે માર્ગમાં વાટ ખરચ બીલકુલ નથી, માટે પરમેશ્વરે મને મદદ કરી, એમ સમજી જેવો પેલો ઉંદર તે સોનૈયોમાંથી એક સોનૈયો દરમાં મૂકવા ગયો તેવા બાકીના વીશ સોનૈયા
૧૪૮
પ્રબન્ધ ચિત્તામણિ ભાષાંતર