________________
આ સાંભળી વિસ્મય પામે છે એટલામાં સુંદર શણગાર સજી સભામાં આવી ઉભી રહેલી વારાંગનાને જોઇ ભોજરાજા બોલ્યો રૂદ લિમ્ આટલા અક્ષર સાંભળીને મહાચતુર વારાંગના બોલી કે પૃચ્છત્તિ આટલા અક્ષર સાંભળી રાજાએ અતિશય પ્રસન્ન થઈ ત્રણ લાખ સોનૈયા આપવા હુકમ કર્યો. પરંતુ એક બીજાએ શી વાત કરી તે સભામાં બેસનારને તથા કોશાધિપતિને સમજણ ન પડવાથી રાજાએ ત્રણ વખત કહ્યું. પછી સભામાં બેસનારની વિનંતીથી રાજાએ તેનો અર્થ પ્રકાશ કર્યો કે આ વારાંગનાના અંજન રેખા સહિત કટાક્ષ, કાન સુધી જતા આવતા હતા તે જોઈ મેં પૂછ્યું કે એ વારંવાર કાન આગળ શું કરવા જાય છે. ત્યારે એ બોલી કે પૂછવા જાય છે કે, હે કાન. તમોએ જે ભોજરાજાને સાંભળ્યો હતો તે જ આ ભોજરાજા છે ! એમ નિર્ણય કરવા કર્ણ સુધી ગમનાગમન કરે છે. આ મનના અભિપ્રાયને ઉપલી ચિકિત્સાથી જાણીને કહેનારી વારાંગનાને આખું રાજ્ય આપી દઇએ તો પણ થોડું છે. માટે આ સાક્ષાત્ સરસ્વતી છે એમ કહી નવ લાખ સોનૈયા અપાવ્યાં. કારણ કે ત્રણ લાખ મોહોર આપવાનું ત્રણ વખત કહ્યું હતું માટે. વળી ભોજરાજા ગુજરાતની સ્ત્રીઓની પ્રશંસા કરી એક શ્લોક બોલ્યો.
नामाभूषाऽङ्गदपिता वाहवाह दृगञ्जनभूः । अहो भाग्यं गूर्जरीणां गृहसंमार्जने मनुः ॥१॥
અર્થ : જે ગુજરાતની સ્ત્રીઓના નાકનું આભૂષણ વાળી છે તે તો નામે અંગદનો પિતા છે. એટલે વાળી નામે મહા સમર્થ વાનરને અંગદ નામે પુત્ર થયો ત્યારે તેને ખુશ કરવા વાળીએ માર્ગમાં જતાં દશ માથાના રાવણને પકડી લાવી ઊંધે માથે અંગદના પારણે રમકડા માફક લટકાવી મૂક્યો હતો. જેમ પારણામાં સુતેલો બાળક પોતાના પગ ઊંચા કરી નીચે લટકતાં રમકડાંને લાતો મારી તેના શબ્દથી ખુશ થાય તેમ અંગદ રાવણનાં માથાને લાતો મારી ખુશ થતો હતો. એવો સમર્થ વાળી પણ ગુજરાતની સ્ત્રીઓની સેવામાં નાકનું આભૂષણ થઈ રહ્યો છે ને વળી નેત્રનું આભૂષણ અગ્નિનું વાહન છે. એટલે – મેષ (બોકડો) એ નામનું છે. ગુજરાતની સ્ત્રીઓ નેત્રના અંજનને મેશ એમ કહે છે. યજ્ઞમાં આપેલા સઘળા દેવના બલિદાનને અગ્નિદેવ પોતાના વાહન ઉપર બેસી પહોંચાડે છે. તે વાહન પોતાના દેહનું અગ્નિમાં આરોપણ કરી (નાખીને) કાળી મેશ રૂપે પ્રગટ થઈ ગુજરાતની સ્ત્રીઓની સેવામાં નેત્રના આભૂષણ રૂપે વપરાય છે માટે તેને મેશ શબ્દથી ઓળખે છે. વળી સાવર્ણિ નામે મન જેના ઘરનો પંજો વાળે છે એટલે સ્વર્ગમાં જેટલા કાળ સુધી ઇંદ્ર રાજ્ય કરે તેટલા કાળ સુધી મનુ રાજા પૃથ્વીનું રાજ્ય કરે છે જેમ આ કાળમાં વૈવસ્ત નામે મનુ રાજ્ય કરે છે એમ આવતા કાળમાં સાવર્ણિ નામે મનુ રાજય કરશે એમ (હિન્દુ) શાસ્ત્રમાં પ્રસિદ્ધ છે. તે ઉપર અતિશયોક્તિ અલંકાર કહે છે કે ગુજરાતની સ્ત્રીઓ ઘરમાં પંજો વાળવાના ઝાડુને સાવર્ણિ કહે છે માટે આગળ રાજય પામવાની ઇચ્છાએ સેવામાં રહેલો સાવર્ણિ નામે મનુ હોય એમ જણાય છે. તેથી બધી સ્ત્રીઓની અપેક્ષાએ ગુજરાતની સ્ત્રીઓનું ભાગ્ય ઘણું આશ્ચર્યકારી છે.
ભોજ તથા ભીમરાજાનો પ્રબન્ધ