________________
કામદેવની વિજયપતાકા રોપનારી વિજયા પંડિતાનું આ પ્રકારનું વર્ણન સાંભળી ભોજ રાજા ચમત્કાર પામી અર્ધ શ્લોક બોલ્યો.
किं वर्ण्यते कूचद्वन्द्वमस्याः कमलचक्षुषः । અર્થ : આ કમળાક્ષીના સ્તન મંડળનું શું વર્ણન કરીએ ! આ વચન સાંભળી વિજયા, એ શ્લોકનું ઉત્તરાદ્ધ બોલી. सप्तद्वीपकरग्राही भवान् यत्र करप्रदः ॥१॥
અર્થ : હે રાજન્ ! ખરી વાત કહી ! પૃથ્વીના સાતે દીપમાંથી કરગ્રહણ (વસુલાત) કરવા સમર્થ તમો સાક્ષાત્ જેને કર (દત) આપવા તૈયાર થયા તો તે સ્તન મંડળનું, શું વર્ણન કરી શકાય ! સર્વનો કર તમો ગ્રહણ કરો ને તમારો કર સ્તનમંડળ ગ્રહણ કરે માટે એનું ઐશ્વર્ય કહેવા કોણ સમર્થ થાય.
આ પ્રકારે વિજયાના મુખમાંથી નીકળતા કામબાણ જેવા અક્ષરોથી રાજાનું હૃદય ભેદાયું. તેથી વળી અદ્ધ શ્લોક બોલ્યો.
प्रहतमुरजमण्डलध्वानवद्भिः पयोदैः कथमलिकुलनीलैः सैव दिक् संप्ररुद्धा ॥ અર્થ : મૃદંગ જેવા ગંભીર ગાજતા ને ભ્રમર જેવા શ્યામ મેઘોએ તે જ દિશા કેવી રીતે રોકી? આ વચન સાંભળી વિજયા, શ્લોકનું ઉત્તરાદ્ધ બોલી. प्रथमविरहखेदम्लायिनी यत्र बाला वसति नयनवान्तैरश्रुभिधौंतवक्रा ॥१॥
અર્થ : જેવી રીતે નેત્રમાંથી નીકળતી આંસુની ધારાથી મુખ ધોવાય એવી રીતે, જે દિશામાં પ્રથમ જ સ્વામીનો વિયોગ થવાથી ઉત્પન્ન થયેલા દુઃખથી ગ્લાનિ પામતી વિરહિણી સ્ત્રી વસે છે તે દિશા મેઘથી છવાઈ ગઈ છે. વિજયા પંડિતાનો અભિપ્રાય જે હું તો મારા મનથી તમને જ પરણી ચૂકી છે. હવે મારા ઘર તરફની દિશા મેઘ મંડળથી છવાઈ ગઈ છે માટે મારાથી ઘેર જવાશે નહીં કારણ કે મારી નવી યુવાવસ્થામાં પ્રથમ વિરહ સહન થઈ શકે એમ નથી તેથી લોક પ્રસિદ્ધ મારો અંગીકાર કરો.
ભોજ રાજા, એ સ્ત્રીએ પ્રગટ કરેલી કામ ચેષ્ટાના ચમત્કારમાં અંજાઈ જવાથી એકદમ કામાતુર થયો પણ સભા વિસર્જનને હજી થોડી વાર છે. માટે કાલક્ષેપ કરવા, વળી અદ્ધ શ્લોક બોલ્યો.
सुरताय नमस्तुभ्यं जगदानन्ददायिने । અર્થ : જગતને આનંદ આપનાર હે કામ સંભોગ હું તને નમસ્કાર કરું છું. આ વચન સાંભળી વિજયા, એ શ્લોકનું ઉત્તરાદ્ધ બોલી. आनुषङ्गि फलं यस्य भोजराज ! भवादृशाम् ॥
પ્રબન્ધ ચિન્તામણિ ભાષાંતર