________________
RSRSR
સંપાદકીય નિવેદન...
અનાદિ અનંત સંસારના સ્વરૂપને બતાવનાર વીતરાગ ભગવંતોએ જીવોની ભિન્ન-ભિન્ન અવસ્થાનું કારણ કર્મ કહ્યું છે. આ કર્મને જુદા જુદા દર્શનકારો ઈશ્વરની ઈચ્છા, પ્રારબ્ધ, વાસના, નસીબ આદિ શબ્દો રૂપે બતાવે છે.
આ કર્મનું વર્ણન જૈન દર્શનના આગમ ગ્રંથોમાં ઘણું વિસ્તૃત સ્વરૂપે છે અને તે આગમ ગ્રંથોમાંથી ઉધ્ધરીને પૂર્વાચાર્યોએ કર્મપ્રકૃતિ, પંચસંગ્રહ, કર્મગ્રંથ, લોકપ્રકાશ આદિમાં બાલજીવોને સમજાવી શકાય તે રીતે વર્ણવ્યું છે.
આ જ રીતે ચંદ્રર્ષિ મહત્તરાચાર્યે બીજા અગ્રાયણી પૂર્વમાંથી ઉધ્ધરીને બંધ-ઉદય અને સત્તા વિષે તેના સ્થાનો, ભાંગા તેમજ બંધસ્થાનક ઉપર ઉદયસ્થાનક અને ઉદયસ્થાનક ઉપર સત્તાસ્થાનો ઘટાવવા પૂર્વક સપ્તતિકા ગ્રંથ રૂપે રચના કરી છે.
જૈન દર્શનના આ ગ્રંથોનો અભ્યાસ પૂ. ગુરુ ભગવંતોની નિશ્રામાં જિજ્ઞાસુઓ-મુમુક્ષુઓ કરે છે. તેમજ ભારતભરમાં અજોડ શતાધિક વર્ષથી ચાલતી શ્રીમદ્ યશોવિજયજી જૈન સંસ્કૃત પાઠશાળામાં પણ કર્મસાહિત્યનું ઊંડાણથી અભ્યાસ કરાવવા સાથે સંસ્કૃત-પ્રાકૃત ભાષાનું પણ જ્ઞાન કરાવી સારા વિદ્વાનો તૈયાર કરે છે. બીજી પણ કેટલીક સંસ્થાઓ તત્ત્વજ્ઞાનના અભ્યાસ માટે સક્રિય પ્રયત્ન કરી રહી છે તે અનુમોદનીય છે.
મેં મહેસાણા શ્રીમદ્ યશોવિજયજી જૈન સંસ્કૃત પાઠશાળામાં અભ્યાસ કર્યો. ત્યારબાદ ત્યાં જ અભ્યાસ કરાવ્યો. ત્યારબાદ અમદાવાદ શ્રી સરસ્વતીબેન દલપતભાઈ જૈન પાઠશાળામાં અને શ્રી જૈન વિદ્યાશાળા વિગેરે સંસ્થાઓમાં કર્મગ્રંથાદિનો અભ્યાસ કરાવવાનો યોગ મળ્યો.
કર્મના વિષયમાં દેવેન્દ્રસૂરિ મહારાજે પાંચ કર્મગ્રંથ બનાવ્યા. તે પાંચ કર્મગ્રંથનો અભ્યાસ કર્યા પછી જ આ સપ્તતિકાનો અભ્યાસ કરવો સરળ પડે છે તેથી સપ્તતિકા કર્મગ્રંથને છઠ્ઠો કર્મગ્રંથ કહેવાય છે અને તે નામ જ વધારે પ્રચલિત છે.
આ ગ્રંથનો વારંવાર અભ્યાસ કરાવતાં વધારે વિસ્તારથી સમજાવવા પ્રયત્ન કર્યો. પ્રથમ મોહનીય કર્મના સંવેધમાં બંધસ્થાનકના બંધભાંગા ઉપર દરેક ઉદયસ્થાનક અને ઉદયભાંગા અને તેના ઉપર જુદા જુદા સત્તાસ્થાનો ઘટાવ્યાં. જુદા જુદા સમકિતમાં શ્રેણીમાં વેદ આશ્રયી દરેકના ઉદયભાંગા ઉપર પણ સત્તાસ્થાનો ઘટાવ્યાં.
તે રીતે નામકર્મમાં પણ દરેક બંધસ્થાનકના જુદા જુદા જીવ પ્રાયોગ્ય બંધભાંગા ઉપર જુદા જુદા ઉદયસ્થાનકો, ઉદયભાંગા અને ઉદયભાંગા ઉપર સત્તાસ્થાનો ઘટાવ્યાં.
૧