________________
*RSRSR S
પ્રાસંગિક...
સપ્તતિકા નામનો આ કર્મગ્રંથ પૂ. શ્રી ચન્દ્રર્ષિમહત્તરાચાર્યશ્રી રચિત છે અને પ્રથમના પાંચ કર્મગ્રંથો પૂ. દેવેન્દ્રસૂરીશ્વરજી રચિત છે. આ છઠ્ઠા કર્મગ્રંથમાં આઠ મૂલકર્મોના તથા એકેક કર્મના બંધસ્થાનક, ઉદયસ્થાનક અને સત્તાસ્થાનકના સંવેધભાંગાનું સુંદર વર્ણન છે. સામાન્યપણે તથા ચૌદ જીવસ્થાનક, ચૌદ ગુણસ્થાનક અને બાસઠ માર્ગણા ઉપર આ સંવેધભાંગાનું વિવરણ કર્મ સંબંધી બીજી ઘણી સૂક્ષ્મ માહિતીનો પ્રકાશ આપનાર છે.
‘‘કર્મગ્રંથોનો અભ્યાસ’” એ જૈનદર્શનમાં પાયાનો અભ્યાસ છે. છઠ્ઠા કર્મગ્રંથ ઉપર મુખ્યત્વે મહેસાણા પાઠશાળાથી પ્રકાશિત વિવેચન અત્યારે વધુ આધારભૂત છે. છતાં વર્ષો પૂર્વેનું આ લખાણ હોવાથી અતિશય સંક્ષિપ્ત છે અને તેને વધુ વિસ્તૃત કરવાની અતિશય આવશ્યકતા હતી.
પંડિતવર્ય શ્રી રસિકભાઈ છેલ્લા ૫૦/૫૫ વર્ષોથી પૂ. સાધુ-સાધ્વીજી મહારાજશ્રીઓને ભણાવે છે. કર્મગ્રંથના વિષયો તેઓશ્રીએ વારંવાર ભણાવ્યા છે, જેથી તે વિષયમાં તેઓનો અત્યન્ત બહોળો અનુભવ છે. તેઓની ધારણાશક્તિ, ચિંતનશક્તિ અને પૂર્વાપર અવિરોધપણે સંકલન કરવાની શક્તિ સારી છે. તેઓની પાસે અભ્યાસ કરતાં પૂ. સાધ્વીજી મહારાજશ્રીઓએ યથાયોગ્ય આ કાચુ લખાણ કરેલું. ત્યારબાદ આ લખાણને વ્યવસ્થિત કરી પ્રકાશિત કરવાથી અભ્યાસક વર્ગને બહુ લાભ થશે. એમ વિચારી પંડિતવર્ય શ્રી રસિકભાઈએ પોતાનો અમુલ્ય સમય કાઢીને આ લખાણ વ્યવસ્થિત પાકુ તૈયાર કર્યું તથા કર્મગ્રંથના અનુભવી વિદ્વાનોને બતાવી યથાયોગ્ય સુધારાવધારા કરી સુંદર લખાણ તૈયાર કર્યું.
બંધસ્થાનકના એક એક ભાંગા ઉપર ઉદયસ્થાનકના પ્રત્યેક ભાંગા વાર સત્તાસ્થાનો જણાવીને તેઓએ જૈન શાસનના અભ્યાસકવર્ગનો ઘણો જ ઉપકાર કર્યો છે. ભાંગે ભાંગે સત્તાસ્થાનો સમજાવવાં અને તે પણ બાસઠ માર્ગણાઓ ઉપર શોધી કાઢવાં એ અતિશય ઉંડા અભ્યાસ વિના શક્ય નથી. ઘણા વર્ષોથી છઠ્ઠા કર્મગ્રંથ ઉપર આવા વિશિષ્ટ, સ્પષ્ટ, સરળ અને સૂક્ષ્મ વિવેચનની ઘણી જ જરૂર હતી, જે શ્રી રસિકભાઈએ આ જરૂરિયાત પૂરી પાડી છે. તેથી તેઓ ઘણા જ ધન્યવાદને પાત્ર છે. આવા વિષયો લખવામાં પૂર્વાપર ઘણા ગ્રંથો વાંચવા પડે છે, પાઠો મેળવવા પડે છે, કેટલીક યુક્તિઓ જોડવી પડે છે. આ બધી પૂર્ણતા આ ગ્રંથમાં પ્રાયઃ છે. અન્તે આ ગ્રંથ જૈન સમાજમાં વધારે ને વધારે ભણાતો રહે કે જેથી લેખકની મહેનત વધુ સફળતાને પામે.
લિ. ધીરજલાલ ડાહ્યાલાલ મહેતા
૫