________________
પ્રકાશકીય
કર્મનો વિષય જેમ ગહન છે તેજ રીતે ગણિતનો વિષય પણ ગહન છે અને આ બન્ને ગહન વિષયો કર્મગ્રંથ-૬માં ભેગા છે એટલે તેની ગહનતા દુગુણી બની જવા પામી છે, છતાં જેમને તેની ચાવીઓ હાથ લાગી જાય છે, તેમને મનતો વિશ્વના સર્વશ્રેષ્ઠ પુસ્તકોના વાંચનમાંથી મળતા આનંદ કરતાં પણ અધિકો આનંદ આ વાંચનમાં મળે છે. શબ્દો આંખ સામે દેખાય અને મગજના કોમ્યુટરમાં આબાદ રીતે તેની ગણતરી થતીજ આવે. આમ આ કર્મગ્રંથ-૬ એ તો આનંદ-જ્ઞાન અને મનની સ્થિરતાનો ત્રિવેણી સંગમ છે.
ખરા અર્થમાં તો સાહિત્યજ એને કહેવાય કે જેમાં એકાંતે જીવોના હિતની-કલ્યાણનીજ વાતો હોય. આવા સાહિત્યમાં તત્વજ્ઞાનનું સ્થાન મોખરાનું છે. એમાંપણ કર્મનો વિષયવિશેષ ઊંડાણમાં લઈ જનારું તત્વજ્ઞાન છે. એટલે કલ્યાણકાંક્ષી જીવોએ તો પોતાની શક્તિ મુજબ તેની સમજ મેળવવી જ રહી.
અભ્યાસીઓ ઓછી મહેનતે વધુ સારી રીતે આ વિષયને સમજી શકે, તે આશયને સતત નજર સામે રાખીને પૂજય પન્યાસ પ્રવર શ્રી નરવાહન વિજયજી ગણિવર્યે આ પુસ્તકની વસ્તુના શકયતેટલા તમામ પ્રશ્નો ઉપસ્થિત કરીને તેના જવાબો બને તેટલા સરળ ભાષામાં અને સારી રીતે સમજી શકાય તે રીતે ખૂબજ શ્રમ વેઠીને આ પુસ્તકમાં રજુ કરેલ છે તે માટે અમો પૂજયશ્રી નો જેટલો ઉપકાર માનીએ તેટલો ઓછો છે.
આ પુસ્તકઆમતો ખૂબવહેલું પ્રકાશિત કરવાનું હતું પરંતુ સંજોગોવશાત્ તે બની શકયું નથી. પરંતુ આ પુસ્તક માટેની વાત થયેલી તેજ વખતે આ પુસ્તક પ્રકાશનનો સંપૂર્ણ ખર્ચ આપનાર શ્રી ઘાટકોપર જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક તપાગચ્છ સંઘના ટ્રસ્ટીઓનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને તે સંઘના ટ્રસ્ટી સાહેબોનો ભવિષ્યમાં પણ આવા સાહિત્ય પ્રકાશનમાં અમને સહકાર મળતો રહેશે એવી આશા રાખીએ છીએ.
પદાર્થ દર્શન ટ્રસ્ટના ટ્રસ્ટીઓ