________________
નવ તત્વ
(૧) અથ શ્રી નવ તત્ત્વ વિવેકી સમદષ્ટિ જીવોએ નવ તત્ત્વ જેવા છે તેવાં તથારૂપ બુદ્ધિ પ્રમાણે ગુરુ આમન્યાથી ધારવા તે નવ તત્ત્વનાં નામ કહે છે.
૧. જીવતત્ત્વ, ૨. અજીવતત્ત્વ, ૩. પુણ્યતત્ત્વ, ૪. પાપતત્ત્વ, ૫ આશ્રવતત્ત્વ, ૬. સંવરતત્ત્વ, ૭. નિર્જરાતત્ત્વ, ૮. બંધતત્ત્વ, ૯. મોક્ષતત્ત્વ.
વ્યવહારનયે કરી જે શુભાશુભ કર્મોનો કર્તા, હર્તા તથા ભોક્તા છે અને નિશ્ચય નયે કરી જ્ઞાન, દર્શન તથા ચારિત્ર) રૂપ નિજગુણોનો જ કર્તા તથા ભોક્તા છે અથવા દુઃખ સુખ જ્ઞાનોપયોગ લક્ષણવંત ચેતના સહિત હોય તેને પ્રથમ જીવતત્ત્વ કહીએ; તેથી વિપરીત જે ચેતનારહિત, જડસ્વભાવવાળો હોય તેને બીજું અજીવતત્ત્વ કહીએ, જેણે કરી શુભ કર્મના પુણ્યનો સંચય તથા ઉદય થવાથી સુખનો અનુભવ થાય છે તેને ત્રીજું પુણ્યતત્ત્વ કહીએ; તેથી વિપરીત જેણે કરી અશુભ કર્મનાં પાપનો સંચય તથા ઉદય થવાથી દુઃખનો અનુભવ થાય છે તેને ચોથું પાપતત્ત્વ કહીએ; જેણે કરી નવાં કર્મ બંધાય છે, શુભા-શુભ કર્મોપાદાન હેતુ હિંસાદિક તેને પાંચમું આશ્રવતત્ત્વ કહીએ; જેણે કરી આવતાં કર્મ રોકાય અર્થાત્ પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિ તેણે કરી જે આશ્રવ નિરોધ કરવો તેને છઠું સંવર તત્ત્વ કહીએ; જેણે કરી આત્મપ્રદેશમાંથી દેશથકી કર્મ જુદાં થાય છે, અથવા પૂર્વે કરેલાં કર્મો જે ક્ષય થાય છે એટલે તપ પ્રમુખે કરી કર્મનું નિર્જરવું થાય છે તેને સાતમું નિર્જરાતત્ત્વ કહીએ; જે નવાં કર્મોનું ગ્રહણ કરીને તેની સાથે જીવનું બંધન થવું, ક્ષીરનીરની પેઠે મળી જવું તેને આઠમું બંધતત્ત્વ કહીએ. જે આત્મપ્રદેશથકી સર્વથા કર્મોનો ક્ષય થવો તેને નવમું મોક્ષતત્ત્વ કહીએ. જે નવ તત્ત્વરૂપ ૧. કર્તા = કરવાવાળો, ૨. હર્તા = નાશ કરવો ૩. ભોક્તા = ભોગવનાર ૪. સીરનીર = દૂધમાં પાણીની જેમ એકમેક થઈ જવું.