________________
પ્રસ્તાવનાઓનું સર્જન
એક બહુમૂલ્ય ગ્રન્થનું સર્જન એટલે પ્રસ્તાવના સંગ્રહ. આ વિચાર આવવો એ જ એક અદ્ભુત અને આશ્ચર્યજનક વાત છે. કોઈ પુસ્તક લખે, કોઈ વાર્તા લખે, કોઈ નાટક લખે, કોઈ અનુવાદ લખે એટલે પુસ્તક વાર્તા, નાટક કે અનુવાદનું હોઈ શકે પરંતુ ક્યારે સંભળવા નથી મળ્યું કે માત્ર એક પ્રસ્તાવનાઓનું જ સ્વતંત્ર પુસ્તક હોય, એકલી પ્રસ્તાવનાઓ જ. આ વાત સાંભળીને ઘણાને આશ્ચર્ય જ થાય અને તે આ પુસ્તકમાં છે.
પ્રસ્તાવના એટલે જે તે વિષયના પુસ્તકના લખાણનો સાર (ક્રીમ). પુસ્તકના વિષયને બરાબર સમજાવતું લખાણ. હજુ પુસ્તક લખવું સહેલું છે પરંતુ પ્રસ્તાવના લખવી કઠિન છે. પુસ્તક એટલે સમુદ્ર અને પ્રસ્તાવના એટલે એ પુસ્તકરૂપી સમુદ્રને લોટામાં ભરવો. જ્યારે આખા સમુદ્રને સૂક્ષ્મરૂપ કરીને લોટામાં ભરવો હોય તો કેટલી જહેમત માંગી લે. કેટલી વિચારણા માગી લે. કેટલી બુદ્ધિની વિશાળતા માગી લે. આ પ્રસ્તાવનાઓ પાછી એક વિષય ઉપર નહીં અનેક વિષયો ઉપર અને કેટલા વિષયો તો પાછા બુદ્ધિને કસે તેવા.
પૂજ્યશ્રી ઉપર શાસનદેવ-દેવીઓ અને સ્વ. પૂજ્ય ગુરુદેવોની મોટી કૃપા વગેરે કારણે જ કઠિનમાં કઠિન એવા ગ્રન્થો અને અણઉકેલ સવાલોને ઉકેલી શકવાનું શક્ય બન્યું તેથી જ સમાજોપયોગી અનેકવિધ ગ્રન્થોનું પૂજ્યશ્રીનાં હસ્તે સર્જન થયું.
પૂજ્યશ્રીનાં સાહિત્યકલા-યંત્ર-મંત્ર-તંત્ર વગેરે વગેરે અનેક પ્રકાશનો પૈકી કેટલાક સંશોધનાત્મક પ્રકાશનો એ વિષયમાં તલસ્પર્શી સંશોધન કરીને લખવામાં આવેલ હજારો વરસોથી ચાલી આવતી ગેરસમજો–ભૂલોને સેંકડો ગ્રંથોનાં સંશોધન બાદ સચોટ રીતે યુક્તિ-યુક્ત દલીલો સાથે તેને સમજાવી અને સંશોધન કરેલ વાત સત્ય અને તથ્યથી ભરપૂર કરવી એ નાનીસુની વાત નથી. આ સંશોધન ઉપર પાછું વિદ્વાન–વડીલ પૂજ્યશ્રીઓનું મંતવ્ય અને માન્યતાની મહોર લાગવી તે જ પૂજ્યશ્રી ઉપર વડીલોની શ્રદ્ધા અને મહેરનું કારણ છે. વડીલ પૂજ્યશ્રીઓની પૂજ્યશ્રી ઉપર સચોટ વિશ્વાસ તેથી પૂજ્યશ્રીને આ માટે કહે અને પૂજ્યશ્રી દિલ લઈને અને ઉંડાણપૂર્વક એ કાર્યને હાથ ધરીને પૂર્ણ કરી તેનું પરિણામ (રિપોર્ટ) તે પૂજ્ય વડીલો સમક્ષ મૂકે ત્યારે તે પૂજ્ય વડીલોને કેવો આનંદ થયો હશે? જ્યારે પૂજ્યશ્રી પોતે સંશોધિત કરેલ તે વાત દાખલા-દલીલો સાથે યુક્તિયુક્ત રીતે એ પૂજ્ય વડીલોને સમજાવી હશે ત્યારે કેવો અલૌકિક આનંદ અનુભવ્યો હશે અને ત્યાર બાદ તે વાત પોતાનાં રોજીંદા જીવનમાં જાપમાં અમલમાં મૂકી હશે ત્યારે પૂજ્યશ્રીને કેવો આનંદ થયો હશે કે જૈન સમાજના બહુપૂજ્ય એ વડીલો પોતાનાં પ્રત્યે જે માન-આદર રાખે તેથી આ વાત શક્ય બને.
આવા આપના જૈન સમાજના આદરણીય, શ્રદ્ધેય, આબાલવૃદ્ધ સૌને માન્ય અને આપણા જૈન સમાજના ચારેય સંપ્રદાયમાં દીક્ષામાં સૌથી મોટા એવા પૂજ્ય ગુરુદેવના આ સંશોધનાત્મક પ્રસ્તાવનાઓનાં સંગ્રહનો રસાસ્વાદ માનીએ.
[ = ]